હળવદ પોલીસે કે.ટી. મિલ વિસ્તારમાં દરોડો પાડી ૨૧ વર્ષીય શખ્સને ઝડપી લીધો: ખીરઈના શખ્સે દારૂનો જથ્થો આપ્યો હોવાનો ખુલાસો.
હળવદ તાલુકાના ચરાડવા ગામના કે.ટી. મિલ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ૨૧૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૨,૦૦૦/- ના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે ચરાડવા ગામના કે.ટી. મિલ વિસ્તારમાં રહેતો નાસીર મહમદહનીફ ભટ્ટી પોતાના રહેણાક મકાન પાછળ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી નાસીર મહમદહનીફ ભટ્ટી ઉવ.૨૧ રહે. કે.ટી. મિલ વિસ્તાર ચરાડવા મૂળ રહે.માળીયા વાગડીયા ઝાંપે વાળો હાજર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે તેની પાસેથી દેશી દારૂ કબ્જે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં પકડાયેલ આરોપી નાસીરે આ દારૂનો જથ્થો ખીરઈ ગામના આરીફ ઇકબાલભાઈ માલાણી પાસેથી લાવ્યો હોવાનું અને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા, પોલીસે નાસીર ભટ્ટીની ધરપકડ કરી છે, જ્યારે આરીફ માલાણી દરોડા દરમિયાન હાજર ન મળી આવતાં તેને પકડવા તપાસ હાથ ધરી છે. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






