Tuesday, November 3, 2026
HomeGujaratમોરબીમાં મ્યુલ એકાઉન્ટ મારફતે રૂ.૭.૨૬ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, પાંચ આરોપી ઝડપાયા

મોરબીમાં મ્યુલ એકાઉન્ટ મારફતે રૂ.૭.૨૬ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, પાંચ આરોપી ઝડપાયા

મુખ્ય સૂત્રધાર ચેતન પલાણ સહિત છ આરોપીઓ ફરાર, ૨૨ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડની રકમ સગેવગે કર્યાનો પર્દાફાશ.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડ અને ઠગાઈની કરોડોની રકમ સગેવગે કરતી ગેંગનો મોરબી સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ગેંગ દ્વારા ૨૨ જેટલા બેન્ક એકાઉન્ટ મારફતે બે વર્ષમાં રૂ.૭.૨૬ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસે બેન્ક ખાતા ભાડે આપનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત છ આરોપીઓના નામ ખુલતા તેને ફરાર દર્શાવી પોલીસે તપાસ તેજ કરી છે.

મોરબી સાયબર ક્રાઇમ પોલીસને ‘SAMANVAYA’ અને ‘NCCRP’ પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી સાયબર ફ્રોડની રકમની હેરાફેરી કરતી ગેંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે ગઈકાલે તા.૦૨/૧૧/૨૦૨૬ના રોજ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૩(૫) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેંગના મુખ્ય સૂત્રધાર ચેતન કિશોરભાઈ પલાણે તેના સાગરીતો મારફતે મોરબીના આર્થિક જરૂરિયાતમંદ લોકોને નજીવા કમિશનની લાલચ આપી તેમના નામે અલગ અલગ બેન્કોમાંથી આશરે ૨૨ ખાતાં ખોલાવી તેની કીટ મેળવી હતી. આ ખાતાંમાં વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન કુલ રૂ.૭,૨૬,૨૦,૨૬૬/-ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા. સાયબર ફ્રોડ અને ઠગાઈથી મેળવેલી રકમ UPI, IMPS અને RTGS મારફતે અલગ અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરી ત્યારબાદ રોકડ ઉપાડીને સગેવગે કરવામાં આવતી હતી.

તપાસ દરમિયાન દેશનાં અલગ અલગ રાજ્યોમાંથી ‘SAMANVAYA’ અને ‘NCCRP’ પોર્ટલ પર કુલ ૪૧ ફરિયાદો અને અરજીઓ નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં રૂ.૧,૩૪,૫૩,૭૯૬/-ની સાયબર ફ્રોડની રકમના વ્યવહારો આ ગેંગ સાથે જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ સાથે સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યવાહી કરી બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા આરોપી હિતેશ મોહનભાઈ પૈજા ઉવ.૪૬ રહે. ગાયત્રી સોસાયટી વાવડી રોડ મોરબી,

ભાવેશ પ્રાણલાલ રામાવત ઉવ.૪૮ રહે.માધાપર શેરી નં.૧૨ મોરબી, બળવંતભાઈ દેવશીભાઈ વામજા ઉવ.૫૩ રહે.માળીયા વનાળીયા શેરી નં.૩ મોરબી-૨, પ્રકાશભાઈ નર્મદાશંકરભાઈ જોશી રહે.યમુનાનગર શેરી નં.૩ નવલખી રોડ મોરબી, અશ્વિનસિંહ દોલુભા ઝાલા ઉવ.૫૧ રહે. ગાયત્રીનગર શેરી નં.૬ વાવડી રોડ મોરબી વાળા સહિતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી ચેતનભાઈ કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરતભાઈ બારડ ઉર્ફે ભરત રાવળ, કિરણભાઈ કાંતીભાઈ પરમાર, કાંતીભાઈ તરશીભાઈ પરમાર અને સુરેશભાઈ કાંતીભાઈ પરમાર સહિત છ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

આ સાથે મોરબી પોલીસે પ્રજાજોગ અપીલ કરી કે, નજીવા કમિશનની લાલચમાં પોતાનાં બેન્ક એકાઉન્ટ અન્ય વ્યક્તિને વાપરવા આપવાં નહીં. આ ઉપરાંત અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી કે ઓટીપી શેર ન કરવા અને બેન્ક ખાતામાં થતા શંકાસ્પદ વ્યવહાર અંગે સાવચેત રહેવા પોલીસે નાગરિકોને અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!