એસઓજીની કાર્યવાહી દરમિયાન નગર દરવાજા નજીકની દુકાનમાંથી રૂ.૩૩,૧૮૦/-નો મુદ્દામાલ કબજે કરાયો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પર સેમ્પલ લઈ જથ્થો સીઝ કર્યો.
મોરબી શહેરના નગરદરવાજા પાસે એસઓજી પોલીસે બે દુકાનોમાં તપાસ દરમિયાન શંકાસ્પદ ઘી અને તેલનો કુલ ૧૮૪ કિલો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે રૂ.૩૩,૧૮૦/-ની કિંમતના જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જરૂરી સેમ્પલ લઈ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે એસઓજી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નગરદરવાજા પાસે આવેલી પાયલ શીંગ સેન્ટર અને તેની બાજુમાં આવેલી આબીદ એચ. અંદાણી નામની દુકાનમાં તપાસ કરતાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ફૂડ ઓફિસર દ્વારા શંકાસ્પદ ઘી તેમજ પ્રીમિયમ ઓઇલ લખેલ તેલના જથ્થામાંથી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોલીસે બંને દુકાનમાંથી કુલ ૧૮૪ કિલો જથ્થો કિ.રૂ. રૂ.૩૩,૧૮૦/- કબજે કરી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પાયલ શીંગ સેન્ટરના સંચાલક યાકુબભાઈ અબ્દુલભાઈ અંદાણી રહે.કાયાજી પ્લોટ રવાપર રોડ મોરબી વાળા પાસેથી ૨૫ કિલો શંકાસ્પદ ઘી, જ્યારે આબીદ એચ. અંદાણીના સંચાલક આબીદભાઈ હુશેનભાઈ અંદાણી રહે.નાની બજાર વણકર શેરી મોરબી વાળા પાસેથી ૧૧ કિલો શંકાસ્પદ ઘી તેમજ પ્રીમિયમ ઓઇલ લખેલ તેલના ૧૦ ડબ્બા સહિત કુલ ૧૪૮ કિલો કિ.રૂ.૨૪,૪૩૦/- નો જથ્થો મળી આવ્યો હતો. હાલ સેમ્પલના રિપોર્ટ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી એસઓજી ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






