મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગનો દરોડો: ૩૩ કિલોથી વધુ લીલા ગાંજા સાથે ૩૦ વર્ષીય ખેડૂત ઝડપાયો.
હળવદ તાલુકાના ચિત્રોડી ગામે ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપાયું છે. મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડો પાડી ૩૬૪ લીલા ગાંજાના છોડ, વજન ૩૩ કિલો ૫૦ ગ્રામ થાય છે, તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૧૬,૫૭,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.
મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ચિત્રોડી ગામે હનીફભાઈની વાડીમાં રહેતો વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરૂભાઈ પરાલીયા ઉવ.૩૦ પોતાના કબજાવાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યો છે. બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ખેતરમાં દરોડો પાડતાં નાના-મોટા લીલા ગાંજાના કુલ ૩૬૪ છોડ જેનો વજન ૩૩ કિલો ૫૦ ગ્રામ કિ.રૂ.૧૬,૫૨,૫૦૦/- થતી હોય. આ ઉપરાંત રૂ.૫,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ.૧૬,૫૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે આરોપી વિપુલભાઈ ઉર્ફે રોકો પરાલીયાને ઝડપી પાડી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






