Tuesday, November 10, 2026
HomeGujaratટંકારામાં ફટાકડા દૂર ફોડવા કહેતા છ શખ્સોનો કાકા-ભત્રીજા પર હિંસક હુમલો

ટંકારામાં ફટાકડા દૂર ફોડવા કહેતા છ શખ્સોનો કાકા-ભત્રીજા પર હિંસક હુમલો

ભત્રીજાની પીઠમાં કુહાડીનો ઘા મારતા પાસળીઓમાં ફ્રેક્ચર: કાકાને લોખંડના પાઈપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

ટંકારાની લતીપર ચોકડી નજીક ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી છ શખ્સોએ કાકા-ભત્રીજા ઉપર લોખંડના પાઈપ, ધારિયું અને કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ભત્રીજાને ગંભીર ઈજાઓ સાથે પાસળીઓમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે કાકાને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ટંકારા પોલીસ સમક્ષ છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત અનુસાર, ટંકારાના ગોકુલનગરમાં રહેતા અને લતીપર ચોકડી પાસે વાડીનાથ પાન નામની દુકાન ચલાવતા કનુભાઈ મસરૂભાઈ ઝાપડાએ ટંકારા પોલીસ સમક્ષ આરોપી મહેશભાઈ હમીરભાઈ ટોળીયા, હિતેશભાઈ અમીતભાઈ ટોળીયા, શુભમ ગોવિંદભાઈ ટોળીયા, નકુલ હિતેશભાઈ ટોળીયા, હમીરભાઈ સગરામભાઈ ટોળીયા અને રાણાભાઇ સગરામભાઇ ટોળીયા બધા રહે. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી કનુભાઈ ઝાપડાના ભત્રીજા ધવલ ઝાપડા ગત તા.૦૮/૧૧ના રોજ રાત્રે એમ.પી. દોશી સ્કૂલના ખૂણે આવેલા રાજશક્તિ પાન પાસે બેઠા હતા. ત્યારે આરોપી મહેશભાઈ હમીરભાઈ ટોળીયાએ ત્યાં ફટાકડા ફોડતા હોય જેથી ધવલે તેને દૂર ફટાકડા ફોડવાનું કહેતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ આરોપી મહેશ ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ આ અંગે ધવલે તેના કાકા ફરિયાદી કનુભાઈ કે જેઓ લતીપર ચોકડી નજીક હીરામાના મંદિર પાસે બેઠા હતા ત્યાં જાણ કરી હતી, તે દરમિયાન ઉપરોક્ત તમામ આરોપીઓ હાથમાં હથિયાર ધારણ કરી આવી, ધવલને ગાળો આપી ધારિયું કુહાડી અને પાઈપથી આડેધડ મારવા લાગ્યા ત્યારે ફરિયાફી વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો.

જે બાદ હુમલાખોરો જતા સમયે બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયા હતા. ત્યારબાદ ધવલને સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ધવલને પાસળીઓમાં ફ્રેક્ચર અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કનુભાઈને પણ ઈજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ ઉપરાંત હોસ્પિટલ જતી વખતે આરોપીઓ હમીરભાઈ સગરામભાઈ ટોળીયા અને રાણાભાઈ સગરામભાઈ ટોળીયા લોખંડના પાઈપ સાથે સર્વિસ રોડ પર ઊભા રહી બંનેને ગાળો ભાંડી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે કનુભાઈ ઝાપડાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!