નખત્રાણાથી અમદાવાદ તરફ જતા આઇસરને અણીયારી ચોકડી પાસે રોકાવ્યું: વાહનમાં અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા હતા, વાહન ચાલક આરોપીને પોલીસને સોપાયો.
મોરબી: નવા વર્ષના પ્રથમ દિવસે મોરબીના ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનોની ટીમોએ માળીયા વિસ્તારમાં વોચ ગોઠવી કથિત રીતે કતલ માટે લઈ જવાતા ૩૯ પાડાને બચાવ્યા હતા. અણીયારી ચોકડી પાસે આઇસર વાહન રોકાવી તપાસ કરતાં પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તમામ પશુઓને છોડાવી મોરબી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
મોરબીના અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, હિન્દુ યુવા વાહિની સહિતના સંગઠનોના કાર્યકરોને બાતમી મળી હતી કે કચ્છના નખત્રાણા તરફથી માળીયા થઈ અમદાવાદ તરફ આઇસર રજી.નં. જીજે-૦૧-સીવાય-૯૧૨૮ માં મોટી સંખ્યામાં પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે મોરબી ઉપરાંત ચોટીલા, લીંબડી અને રાજકોટની ગૌરક્ષક ટીમોએ માળીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળું વાહન પસાર થતાં ગૌરક્ષકોએ તેનો પીછો કરી અણીયારી ચોકડી પાસે રોકાવ્યું હતું અને પોલીસ હેલ્પલાઇનને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં વાહનની તપાસ કરતાં અંદરથી ૩૯ પાડા મળી આવ્યા હતા. પશુઓને અત્યંત ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આરોપી વાહનચાલકની પ્રાથમિક પૂછપરછમાં પશુઓને અમદાવાદના ઢોર બજારમાં લઈ જવામાં આવતા હોવાનું અને તેઓ કચ્છના નખત્રાણા વિસ્તારથી ભરવામાં આવ્યા હોવાનુ જણાવ્યું હતું. આ સાથે હાલ, પશુઓની હેરફેર પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે ટોળકીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી છે.
આ મામલે મોરબી તાલુકા પોલીસે વાહન અને સંબંધિત વ્યક્તિઓને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બચાવાયેલા તમામ ૩૯ પાડાને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશભાઈ બોરીચા, ગૌરક્ષક દળના દિનેશભાઈ લોરિયા, શિવસેનાના પ્રમુખ જીતુભાઈ સેતા, ઉપપ્રમુખ અનિલભાઈ હસ્વાર, ઉમંગભાઈ પટેલ સહિત રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની તેમજ ચોટીલા, લીંબડી અને રાજકોટની ગૌરક્ષક ટીમોએ કામગીરી કરી હતી. ગૌરક્ષકોએ પોલીસ પ્રશાસનના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.






