માળીયા-મોરબી હાઈવે પર રામદેવ હોટલ સામે અકસ્માત: ગંભીર ઈજાઓના કારણે બાઈકચાલકે જીવ ગુમાવ્યો.
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા ૩૬ વર્ષીય વેપારી યુવાન હરીપર કેરાળા રોડ પર આવેલી પોતાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લક્ષ્મીનગર પાસે આખલો આડો ઉતરતાં બાઈક અથડાયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ના રામકૃષ્ણનગરમાં રહેતા રાકેશભાઈ મનહરલાલ નિમાવત ઉવ.૩૬ હરીપર કેરાળા રોડ પર કરિયાણાની દુકાન ચલાવતા હતા. ગત તા. ૮ નવેમ્બરના રોજ રાત્રિના આશરે પોણા નવ વાગ્યે તેઓ દુકાનેથી પોતાનું હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૩૬૦૯ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માળીયા-મોરબી હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે રામદેવ હોટલ સામે રોડ પર આખલો આડો ઉતરતાં બાઈક અથડાયું હતું. અકસ્માતમાં તેમને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટા ભાઈ હિતેષકુમાર નિમાવતની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક બાઈકચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






