ત્રણ શખ્સો વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઈ.
ટંકારાના નસીતપર ગામ નજીક ડેમી-૨ ડેમ ખાતે માચ્છીમારીની જાળ માંગવા મુદ્દે થયેલા વિવાદમાં શ્રમિકને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ટંકારા પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, નસીતપર ગામના નરેશભાઈ કાળુભાઇ ચાવડા ઉવ.૩૫એ આરોપી પોપટભાઈ દેવીપૂજક, ધમો પોપટભાઈ દેવીપૂજક તથા જીતેશ સાદુરભાઈ દેવીપૂજક ત્રણેય રહે.નસીતપર તા.ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી નરેશભાઈ છેલ્લા ત્રણ મહિનાથી ડેમી-૨ ડેમ ખાતે ચાલતા મત્સ્ય ઉદ્યોગના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરે છે. ત્યારે ગત તા.૮ નવેમ્બરના રોજ સાંજે તેઓ પ્રવિણભાઈની દુકાને માવો ખાવા ગયા હતા, ત્યારે આરોપી પોપટભાઈ દેવીપૂજક, તેનો પુત્ર ધમો અને જીતેશ સાદુરભાઈ દેવીપૂજક ત્યાં હાજર હતા. ત્રણેયે નરેશભાઈ પાસે માછલી પકડવાની જાળ માંગતા તેમણે ડેમ ખાતેની ઓરડીમાંથી ભરતભાઈ પારઘીને પૂછીને જાળ લઈ લેવાનું કહ્યું હતું.
આ વાતનું ત્રણેય આરોપીઓને માઠું લાગતાં અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં નરેશભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી ભુંડી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે દેકારો થતા આસપાસના લોકો ભેગા થતાં તેમને છોડાવ્યા હતા. બાદમાં ત્રણેયે ફરી ડેમ ઉપર આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






