પાસ-પરમિટ વિના ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ભરીને લઈ જવાતાં બે શખ્સ ઝડપાયા: વાહન સહિત ત્રણ પશુઓ પોલીસને સોંપ્યાં.
હળવદના ટીકર(રણ) નજીક સુપર કેરી વાહનમાં ત્રણ અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવાતાં હોવાની મળેલી બાતમીને આધારે ગૌરક્ષકો દ્વારા વાહન રોકાવી ધ્રાંગધ્રાના બે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ગઈકાલ તા.૧૨ નવેમ્બરના રોજ ગૌરક્ષક ભરતભાઇ ઉર્ફે ભથી આપાભાઇ રાઠોડ ઉવ.૩૨ રહે.ગામ અજીતગઢ તા.હળવદ વાળા સહિતના લોકો ટીકર ચોકડી પાસે હાજર હતા, ત્યારે સફેદ કલરના સુપર કેરી વાહનમાં કતલખાને ભેંસના પાડા લઈ જવાતા હોવાની બાતમી મળી હતી. જેથી વોચ ગોઠવી ટીકરથી હળવદ તરફ આવતા વાહન રજી.નં. જીજે-૧૩-એએક્સ-૨૬૪૮ નો પીછો કરીને કેનાલ પાસે રોકાવવામાં આવ્યું હતું. ત્યારે વાહનની તપાસ કરતાં અંદર ભેંસના બે પાડા અને એક પાડી મળી કુલ ત્રણ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા.
જેથી વાહનચાલક કાદરભાઈ કાળુભાઇ ભાડુલા ઉવ.૩૯ રહે. ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડ અને તેની સાથે બેઠેલા સોહિલભાઈ ગુલાબભાઈ ભટ્ટી ઉવ.૩૨ રહે. ધ્રાંગધ્રા ખાટકીવાસ વાળા પાસે પશુઓના પરિવહન અંગે કોઈ પાસ-પરમિટ કે આધાર પુરાવા નહોતા. ઉપરાંત વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. બંને ઇસમોને હળવદ પોલીસ મથકમાં સોંપતા, પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સુપર કેરી વાહન અને ત્રણેય પશુઓ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






