ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હોટલમાં મળવા બોલાવ્યો; બાદમાં યુવતી સહિત પાંચ સામે ગુનો નોંધાયો.
મોરબીના હાર્ડવેરના વેપારી યુવકને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી હોટલમાં મળવા બોલાવ્યા બાદ યુવતી સાથે વાતચીત કર્યાનું કહી સમાધાનના નામે રૂ.૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે રૂ.૧૨ લાખ આપવાનું નક્કી કરી ધાકધમકી અને ઉઘરાણી કરવામાં આવતાં યુવતી સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ ઉપર ભંભોડીની વાડી વિસ્તારમાં રહેતા અને શનાળા રોડ પર હાર્ડવેરની દુકાન ધરાવતા ૨૨ વર્ષીય વેપારી નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમે સીટી એ ડિવિઝન પોલીસ મથકે આરોપી (૧)કિશનભાઈ ઉર્ફે રાજુભાઈ મુછડીયા રહે. જાંબુડિયા તા. મોરબી, (૨)તેજશભાઈ પઢારીયા રહે. રામપર તા. મોરબી, (૩)ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારીયા રહે. મોરબી, (૪)ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર રહે.રવાપર તા. મોરબી અને (૫) કાજલબેન ભરતભાઈ પરમાર રહે. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨ નવેમ્બરે તેમની મેરેજ એનિવર્સરી નિમિત્તે ઉપરોક્ત આરોપી કાજલ પરમાર નામની યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ વાતચીત કરી યુવતીએ તા.૪ નવેમ્બરે સામાકાંઠે આવેલી ફન હોટલમાં મળવા બોલાવ્યા હતા. જ્યાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી.
જોકે, બીજા દિવસે યુવતીના ભાઈ હોવાનું જણાવી આરોપી કિશન ઉર્ફે રાજુ મુછડીયા સહિતના શખ્સોએ વેપારીનો સંપર્ક કરી યુવતી સાથે વાતચીત કરવા બદલ સમાધાનના નામે રૂ.૫૦ લાખની માગણી કરી હતી. વેપારીના પિતા સાથે વાતચીત બાદ રૂ.૧૨ લાખ આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ આરોપીઓ વેપારીના મામાને ફોન કરીને વારંવાર નાણાંની ઉઘરાણી કરતા હતા. દરમિયાન તા.૧૩ નવેમ્બરે આરોપી કાજલબેન અને કિશન ઉર્ફે રાજુ મુછડીયા વેપારીના ઘરે પહોંચ્યા હતા અને પૈસા નહીં આપે તો યુવતીને તેના ઘરે મૂકી જવાની તેમજ મારામારી કરવાની ધમકી આપી હતી. આથી વેપારીની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી યુવતી સહિત પાંચેય આરોપીઓ સામે ધાક ધમકી આપી બ્લેક મેઇલિંગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






