છ વર્ષના માસૂમ પુત્ર અને પિતાનું કરુણ મોત, માતાના બંને પગમાં ફ્રેક્ચર; પરિવારનો માળો વિખેરાયો, ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાઈ.
મોરબીના ટીંબડી પાટિયા નજીક ડમ્પરની ટક્કરથી બાઈક સવાર પિતા અને છ વર્ષના પુત્રનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. એક જ પરિવારના બે સભ્યોનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ત્યારે આ કરુણ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના રતલામ જીલ્લાના તાલોદ ગામના અને હાલ મોરબીમાં રહી કારખાનામાં મજૂરી કરતા દિનેશભાઈ રણછોડભાઈ પરમાર ઉર્ફે રોહિતભાઈ, તેમનાં પત્ની લક્ષ્મીબેન અને છ વર્ષના પુત્ર આદેશ સાથે ગત તા.૧૭ નવેમ્બરના રોજ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એકે-૬૬૬૯ ઉપર કારખાનેથી મોરબી તરફ આવી રહ્યા હતા. દરમિયાન ટીંબડી પાટિયાથી પીપળી ગામ તરફ જતા આરસીસી રોડ પર વળાંક પાસે પાછળથી પૂરઝડપે આવેલા ડમ્પર રજી. નં. જીહે-૩૬-વી-૯૧૪૬ ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં ત્રણેય રસ્તા પર પટકાયાં હતાં.
અકસ્મતમાં દિનેશભાઈ અને માસૂમ આદેશને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે લક્ષ્મીબેનને જમણા પગમાં ગંભીર ઈજાઓ અને ડાબા પગમાં ફ્રેક્ચર થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. એક પિતા અને છ વર્ષના માસૂમ પુત્રનું એકસાથે મોત થતાં પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે, જ્યારે માતા હોસ્પિટલમાં જીવનની જંગ લડી રહ્યાં છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ મદનભાઈ પરમારે ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






