ચોટીલા ચામુંડા માતાજીની માનતા પૂરી કરવા પગપાળા જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું, ટક્કર મારી કારચાલક ફરાર.
વાંકાનેરના જોધપર ગામ પાસે ઓવરબ્રિજ નજીક પાછળથી આવેલી અજાણી સફેદ કારના ચાલકે પદયાત્રી મહિલાને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ જતાં પતિની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા દિવ્યાબેન ઉર્ફે દેવુબેન ચાવડા તેમના પતિ કેશવજીભાઈ દલપતભાઈ ચાવડા સહિત પરિવારજનો સાથે ગત તા.૧૧/૧૧ના રોજ ચોટીલા ચામુંડા માતાજીની માનતા પૂરી કરવા પગપાળા જઈ રહ્યાં હતાં. દરમિયાન તા.૧૨ નવેમ્બરના રોજ મોડી રાત્રે વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પાસે પહોંચ્યા હતા. ત્યાંથી આગળ વધી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી અજાણી સફેદ ફોરવ્હીલ કારના ચાલકે દિવ્યાબેનને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં તેમને કપાળ તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
એક તરફ માતાજીની માનતા પૂરી કરવા શ્રદ્ધાભેર પગપાળા નીકળેલો પરિવાર અને બીજી તરફ રસ્તામાં સર્જાયેલા અકસ્માતે પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી. ત્રણ સંતાનોની માતાનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પતિ કેશવજીભાઈએ અજાણી સફેદ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હિટ એન્ડ રનના બનાવમાં ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.






