સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત: ગંભીર ઇજાઓને પગલે રાજકોટની હોસ્પિટલમાં કારચાલકે દમ તોડ્યો.
મોરબીના ટીંબડી પાટિયા નજીક લકી સ્ક્રેપ સામે હાઈવે પર પૂરઝડપે જતી સ્વિફ્ટ કાર રોડ સાઈડમાં ઊભેલા અજાણ્યા ટ્રક પાછળ અથડાતાં કારચાલક યોગરાજસિંહ વાઘેલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોરબીમાં વિશ્વકર્મા મંદિર મેઈન રોડ નાની બજાર નજીક રહેતા યોગરાજસિંહ ખોડુભા વાઘેલા ઉવ.૪૧ ગત તા.૨૪/૧૧ના રોજ રાત્રિના આશરે ૮:૩૦ વાગ્યાના અરસામાં પોતાની મારુતિ સ્વિફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-બીબી-૨૯૨૫ લઈને માળીયાથી મોરબી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ટીંબડી પાટિયા પાસે પીપળી રોડ તરફ જવાની કટથી આગળ લકી સ્ક્રેપ સામે હાઈવે પર કોઈ કારણસર કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઈડમાં ઊભેલા અજાણ્યા ટ્રકના પાછળના ભાગે કાર અથડાઈ હતી.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યોગરાજસિંહને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા, જ્યાં દોશી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપકસિંહ વાઘેલાની ફરિયાદના આધારે પોલીસે મૃતક યોગરાજસિંહ સામે બીએનએસની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૮૪ અને ૧૭૭ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






