મહાનગરપાલિકા દ્વારા આઉટગ્રોથ ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૪ કરોડથી વધુના ખર્ચે માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરાઈ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના રોડની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ.૪,૦૦,૯૫,૦૦૦/- ના ખર્ચે તૈયાર થનારા આ માર્ગથી આસપાસના વિસ્તારના નાગરિકોને અવરજવરમાં સુવિધા મળશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે ગઈકાલે તા.૨૬/૧૧/૨૦૨૬ના રોજ સવારે નઝરબાગ ખાતે નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના રોડની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ફાળવવામાં આવેલી આઉટગ્રોથ ગ્રાન્ટ અંતર્ગત આ કામગીરી માટે કુલ રૂ.૪,૦૦,૯૫,૦૦૦/-ની રકમ મંજૂર કરવામાં આવી છે.
આ પ્રસંગે મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષનાં નેતા અર્પિતાબા જાડેજા સહિત બાંધકામ સમિતિના ચેરમેન રવિ સનાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથ ભરાસરા, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. રોડની કામગીરી પૂર્ણ થયા બાદ નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના વિસ્તારના રહેવાસીઓ અને વાહનચાલકોને વધુ સારી માર્ગ સુવિધા મળશે તેમજ શહેરના આઉટગ્રોથ વિસ્તારના વિકાસને વેગ મળશે.






