મોરબી તાલુકાના જાંબુડિયા, હરીપર અને પીપળીયા ગામે ત્રણ અલગ-અલગ અપમૃત્યુના બનાવો નોંધાયા છે. જેમાં બીમારીની સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક મહિલાનું પડી જવાથી અને અન્ય એક શ્રમિકનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ત્યારે અપમૃત્યુના ત્રણેય અલગ અલગ બનાવોની પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના જાંબુડિયા ગામની ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ ગામ રાજકોટ ભાવનગર રોડ શ્રમજીવી સોસાયટી મનહરપરા શેરી નં.૦૩ બેડીપરા રાજકોટના વતની મહેશભાઈ ધીરૂભાઈ મિયાત્રા તાવ આવતો હોય જેથી તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન તા.૨૭ નવેમ્બરની રાત્રે તેમનું મોત થતા પોલીસે મરણની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
બીજા અપમૃત્યુના બનાવમાં હરીપર-કેરાળાના પાટિયા પાસે આવેલી લેમીના પેપરમિલની લેબર કોલોનીમાં રહેતાં ૩૧ વર્ષીય સપનાબેન આકાશભાઈ પાવરા મુળ રહે. ગામ વીરપુર તા-શહાડે પોસ્ટ રામપુર જી-નંદુરબાર મહારાષ્ટ્ર વાળા પોતાના રૂમમાં સાફસફાઈ કામ કરી રહ્યાં હતાં. દરમિયાન તેઓ પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં પીપળીયા ગામે પ્લેનોરા કારખાના પાસે આવેલા પાણીના ખાડામાં ૪૨ વર્ષીય ઓબેત ધરમનાથ બારીક હાલ રહે.પીપળીયા ગામ પ્લેનોરા કારખાનામાં મૂળ રહે. દીલ્હી ઘાટ ગામ થાના. નામૃપ જી.દ્રીબુગઢ રાજ્ય-આસામના વતની ગઈકાલે તા.૨૮/૧૧ના રોજ પાણીના ખાડામાં કુદરતી હાજતે જતા કોઇ પણ કારણોસર પાણીમા પડી જવાથી પાણીમાં ડુબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






