હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ નામની સીમમાં વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કર દ્વારા ખુલ્લા રસોડામાંથી ઘરના મુખ્ય દરવાજાની ચાવી લઇ કોઈ જાણભેદુ દ્વારા ઘરમાં પ્રવેશ કરી તિજોરી તથા કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહીત ૧.૩૫ લાખની મત્તા ઉસેડી લઇ ગયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ચોરીની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ સીમમા આવેલ વાડીના મકાનમાં રહેતા સુરેશભાઈ કરશનભાઈ ડાભી ઉવ.૩૩ એ અજાણ્યા તસ્કર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૨ માર્ચ ૨૦૨૪ના સવારના નવ વાગ્યા થી સાંજના પાચેક વાગ્યા દરમ્યાન અજાણ્યા તસ્કરોએ સુરેશભાઈની વાડીએ આવેલ ઘરના મુખ્ય દરવાજાના તાળાની ચાવી ખુલ્લા રસોડામા અભેરાય પર પડેલ ડબલામાંથી મેળવી લઇ તે ચાવીથી તાળુ ખોલી રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે રૂમમાં રાખેલ તીજોરીનો લોક તોડી તથા નીચે પડેલ ટંકનુ નાનુ તાળુ મારેલ તે નકુચો તોડી તેમા મુકેલ ચાંદીના દાગીના આશરે ૬૦૦ ગ્રામ આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાના દાગીના જુદા-જુદા વજન ના આશરે ૬ તોલા કિ.રૂ.૯૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૫,૦૦૦/- ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી ચોરી થયાની અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે.