લગ્નના વાયદા, ખાનગી ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકીઓ અને ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાનું કહી રોકડા રૂપિયા, સોનાના દાગીના અને મોંઘા મોબાઈલ પડાવ્યા.
મોરબીના એક અપરિણીત વેપારીએ શહેરના શનાળા રોડ ઉપર આવેલ ઓસમ સ્પામાં કામ કરતી હરિયાણાની પરિણીત યુવતી સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. યુવતી દ્વારા પ્રેમસંબંધ બાંધી લગ્નના વાયદા કરી અલગ-અલગ સમયે રોકડ રૂપિયા, સોનાના દાગીના અને બે મોંઘા મોબાઈલ મેળવી કુલ રૂ.૧૯ લાખ જેટલી રકમ પડાવી લેવાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જે બાદમાં યુવતીના પતિ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી જ્યારે અન્ય એક શખ્સે પોતે ગુડગાવ પોલીસ હોવાનું કહી નાર્કોટિક્સ કેસમાં ફિટ કરવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્પા વર્કર યુવતી, તેમનો પતિ અને અન્ય પોલીસ તરીકે ઓળખ આપનાર શખ્સ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવાડેલા રોડ ઉપર અનાજ-કરીયાણાની દુકાન ચલાવતા ૩૧ વર્ષીય અપરિણીત વેપારીએ મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આજથી અંદાજે અઢી વર્ષ પહેલા શનાળા રોડ ઉપર મહેશ હોટલ સામે આવેલ ઓસમ સ્પામાં તેમની ઓળખ પ્રિયા નામની યુવતી સાથે થઈ હતી. બાદમાં યુવતીએ પોતાનું સાચું નામ કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) હોવાનું અને તે હરિયાણાના ગુડગાવની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વેપારી અવાર-નવાર ઉપરોક્ત સ્પામાં જતો આવતો જેથી કાજલકુમારી ઉર્ફે પ્રિયા સાથે પ્રથમ મિત્રતા બંધાઈ હતી અને બાદમાં પ્રેમ પાંગર્યો હતો. યુવતીએ પોતે પતિથી અલગ રહેતી હોવાનું જણાવી વેપારીને લગ્નના વાયદા કર્યા હતા. જેથી વેપારીએ તેને સ્પાનું કામ છોડી પોતાની સાથે રહેવા સમજાવી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ વધુ ગાઢ બનતા, યુવતી તેની મિત્ર પૂજા તથા અન્ય પરિચિતો સાથે હરવા-ફરવા, ફિલ્મ જોવા જતી હતી.
ત્યારબાદ ભેજાબાઝ સ્પા વર્કર યુવતીએ પોતાનો સાચો ખેલ શરૂ કરી, માર્ચ-૨૦૨૫ દરમિયાન યુવતીએ વતનમાં ઘર બનાવવા માટે રૂપિયા માગ્યા હતા. ત્યારે વેપારીએ વિશ્વાસમાં આવી અલગ-અલગ સમયે રોકડ તેમજ બેંક ટ્રાન્સફર મારફતે લાખો રૂપિયા આપ્યા હતા. બાદમાં સાતમ-આઠમ દરમિયાન કાકી માટે મદદની જરૂર હોવાનું કહી વધુ રૂપિયા વેપારીએ આપ્યા હતા. બીજી તરફ પ્રેમસંબંધમાં તરબોળ અને લગ્નના વાયદાને કારણે વેપારીએ આ યુવતીને સોનાના દાગીના પણ ભેટરૂપે આપ્યા હતા જેમાં સોનાની બુટી, બ્રેસલેટ અને બે વીંટી તેમજ સેમસંગ એસ-૨૩ અને આઈફોન ૧૬ પ્રો જેવા મોંઘા મોબાઈલ પણ આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. વિવિધ બહાનાં હેઠળ બેંક ખાતા અને મની ટ્રાન્સફર દ્વારા પણ મોટી રકમ આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ રોકડ રકમ તેમજ રૂ.૧.૨૧ લાખના સોનાના દાગીના અને મોંઘા મોબાઈલ મળીને કુલ રૂ.૧૯ લાખ જેટલો મુદ્દામાલ યુવતી દ્વારા પડાવી લેવાયો હતો.
જે બાદ સ્પા-વર્કર યુવતીનો વ્યવહાર બદલાઈ ગયો હતો અને તેણે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. જેથી વેપારીએ પોતે આપેલ રોકડા અને સોનાની વસ્તુ તેમજ મોબાઇલ પરત માંગતા યુવતીએ પોતાના પાસે રહેલા ખાનગી ફોટા અને વીડિયોને વાયરલ કરી બદનામ કરવાની તેમજ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીના કહેવાથી ફરિયાદી વેપારી દિલ્હી પહોંચ્યો હતો જ્યાં યુવતીએ ગુડગાવ ખાતે બોલાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ખોટી અરજી કરી હતી અને ફરીથી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી ત્યારબાદ વેપારી તથા તેના પરિવારને અજાણ્યા નંબર પરથી ફોન કરાવી પોતે પોલીસ અથવા નાર્કોટિક્સ વિભાગમાંથી બોલતા હોવાનું કહી ધમકાવવામાં આવતાં સમગ્ર મામલે ભોગ બનનાર વેપારી દ્વારા પરિવારને જાણ કરી અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ આ સમગ્ર પ્રકરણમાં યુવતી સાથે તેના પતિ તરીકે ઓળખ આપનાર સંજય નામના શખ્સ તેમજ પોતે પોલીસ અધિકારી હોવાનું કહી ધમકાવનાર અન્ય અજાણ્યા વ્યક્તિ સહિત ત્રણેય આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮, ૩૫૧(૧) અને ૩૧૯(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






