વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ પેપરમિલમા એકાએક વિકરાળ આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે પેપરમિલનો સમાન ભસ્મીભૂત થતા લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
રાતાવીરડાના સરતાન પર રોડ પર આવેલ દિયાન પેપરમિલમાં આજે સાંજે ચાર વાગ્યાના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ આ ધટનાની જાણ થતા જ મોરબી અને હળવદ ફાયરની ટીમો મારતે ઘોડે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મૂળવવા કવાયત આદરી હતી.
મોરબી ફાયરની ત્રણ ટીમો સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવવા માટે મથામણ કરી રહી છે આગ વિકરાળ બની હોવાથી મોરબીની ત્રણ ફાયર ગાડી ઉપરાંત હળવદ ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે.વિકરાળ આગની લપેટમાં આવી જતા પેપરમિલના વેસ્ટ પેપર સહિત અનેક સામગ્રી સ્વાહા થઈ હોવાથી મોટા પાયે નુકસાની થયાનો અંદાજ લગાવાય રહ્યો છે.