સીટી એ-ડિવિઝન પોલીસે ૧૮૬ બોટલ/બિયર ટીન સાથે રૂ.૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી: શકત શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરની ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિ સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે પૂર્વ બાતમીના આધારે રહેણાંકમાં કરાયેલ રેઇડ દરમિયાન કુલ ૧૮૬ બોટલ/બિયર ટીન કિ.રૂ.૧,૫૫,૭૬૦/-નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ મામલે આરોપી મકાન માલિક સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે એ ડિવિઝન પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને પીઆઇ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.સી. ગોહિલને બાતમી મળી હતી કે, શકત શનાળા ગામે રહેતા મહાવીરસીંહ ધીરૂભા ઝાલા પોતાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જેથી મળેલી બાતમીના આધારે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમે શકત શનાળા ગામે રેઇડ કરી હતી.
રેઇડ દરમિયાન ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૩ તથા કિંગફિશર બિયરના ટીન નંગ-૬૩ એમ કુલ મળી ૧૮૬ બોટલ/બિયર ટીન કિ.રૂ.૧,૫૫,૭૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે મકાન માલિક આરોપી મહાવીરસીંહ ધીરૂભા ઝાલા રહે.શકત શનાળા મોરબી સહિત અન્ય ત્રણ આરોપીઓ જેમાં હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા રહે.રાજકોટ સેટેલાઇટ ચોક રાજ રેસીડન્સી મોરબી રોડ ઉપર ભાડેથી મુળરહે.રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર, સાગર ઉર્ફે લાલો નારણભાઇ ચાવડા રહે.મોરબી શકતશનાળા તથા આરોપી નારણભાઇ આહિર રહે.ભચાઉ સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.





