મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ધરમપુર રોડથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રૂ.૭૦ હજાર કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાની તપાસ માટે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં હ્યુમન સોર્સ અને ટેક્નિકલ બાતમીના આધારે પોલીસે ધરમપુર રોડ પર આવેલા સુરાપુરા દાદાના મંદિર નજીક દરોડો પાડી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી અલારખાભાઈ કાસમભાઈ કાણા રહે. વનાળીયા તા.જી. મોરબી વાળાને ચોરીમાં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિ.રૂ.૭૦ હજાર વાળું કબજે કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.






