વિવિધ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર (કંપનીઓ)ના પ્રતિનિધિઓ સાથે રોડ મેપ અંગે જરૂરી ચર્ચા વિચારણા કરાઈ; આગામી દિવસોમાં ખેડૂતોના પ્રતિનિધિને પણ કમિટીમાં સામેલ કરાશે
મોરબી જિલ્લામાંથી પસાર થતી વિવિધ વીજ લાઇનોના કારણે અસરગ્રસ્ત થતા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને તેમને જમીનનું યોગ્ય વળતર અપાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ નવા ઠરાવ અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ હકારાત્મક અભિગમ દાખવી વહેલી તકે MRC – માર્કેટ રેટ કમિટીની રચના કરવા જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગત ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ અન્વયે મોરબી જિલ્લામાં ‘માર્કેટ રેટ કમિટી’ (MRC) ની રચના કરવાનો રોડ મેપ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના પ્રતિનિધિઓ સરકારના નવા નીતિ-નિયમોથી વિગતવાર અવગત કરાવીને વહેલી તકે પારદર્શક પ્રક્રિયા શરૂ કરવા સમજૂતી સાધવામાં આવી હતી. આગામી દિવસોમાં ખેડૂતોના પ્રતિનિધિને પણ આ ખેડૂત કલ્યાણલક્ષી અભિગમમાં સહભાગી બનાવાશે.
જિલ્લા કલેક્ટરશ્ સીધી દેખરેખ હેઠળ કાર્ય કરનારી ‘માર્કેટ રેટ કમિટી’ (MRC) માં જમીન માલિકોના પ્રતિનિધિઓ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીના સભ્યોનો સમાવેશ કરાશે. આ કમિટી દ્વારા અસરગ્રસ્ત જમીનોના બજારભાવ નિયત કરવા તેમજ વળતરને લગતા તમામ પ્રશ્નોનું સુવિચારિત અને ન્યાયિક નિરાકરણ લાવવાની મહત્વની કામગીરી હાથ ધરાશે. જમીન મૂલ્યાંકનની આ સમગ્ર કાર્યપદ્ધતિમાં ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય અને તેમના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા મળે તે બાબત વહીવટી તંત્ર સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાંથી હાલમાં અદાણી, રિલાયન્સ, પાવરગ્રીડ HVDC સહિતની કંપનીઓની વિવિધ વોલ્ટેજ ક્ષમતાની વીજ લાઈનો પસાર થઈ રહી છે, જે અન્વયે આ કમિટીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.






