મોરબીના ફડસર ગામે વ્યાજખોર દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીને લઈને હાલ રાજકોટ રહેતા મૂળ ફડસર ગામના આધેડે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે તાલુકા પોલીસે આરોપી સામે બીએનએસ તથા મની લેન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ફડસર ગામના વતની અને હાલ શિવ વિહાર-૨ મોરબી રોડ જકાત નાકુ રાજકોટ રહેતા ભગવાનજીભાઈ નાગાજણભાઈ બાળા ઉવ.૪૫ એ આરોપી દેવજીભાઈ કાળુભાઈ બાળા રહે. ફડસર ગામ તા.જી.મોરબી વાળા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે આઠ વર્ષ પહેલા ઉપરોક્ત આરોપી દેવજીભાઈ પાસેથી રૂ.૪ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. તેઓ દર મહિને રૂ.૨૦ હજાર વ્યાજ ચૂકવતા હતા, પરંતુ છેલ્લા ચાર મહિનાથી ધંધામાં મંદી હોવાને કારણે વ્યાજ ચૂકવી શક્યા ન હતા. ત્યારે ગત તા.૨૭ મેના રોજ આરોપીએ તેમને ફોન કરીને ફડસર ગામે બોલાવ્યા હતા અને ચાર લાખ રૂપિયા સાથે ચાર મહિનાનું રૂ.૮૦ હજાર વ્યાજ તાત્કાલિક ચૂકવવા ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી જાનથી મારી નાખવાની ધમકીને લઈને માનસિક તણાવમાં આવી જઈને ફરિયાદી ભગવાનભાઈએ બીજા દિવસે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






