બોલેરોનું ટાયર ફાટતા રોડ સાઈડમાં ઉભેલા યુવકને ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળે કરુણ મોત.
માળીયા-કંડલા હાઇવે પર સુરજબારી ચેકપોસ્ટ નજીક બોલેરો પીકઅપનું ટાયર ફાટતા રોડની સાઇડમાં ઉભેલા ભુજના યુવાનને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, ભુજ જીલ્લાના નાગોર ગામના વીરમ ભગુભાઈ ગાગલ બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૯૫૧૨ લઈને નળીયાદ તરફ ફેરા માટે ગયા હતા. દરમિયાન તા.૦૫/૦૬ના રોજ માળીયા-કંડલા હાઇવે પર સુરજબારી પોલીસ ચેકપોસ્ટ નજીક તેમની બોલેરો પીકઅપનું પાછળનું ટાયર ફાટી જતા તેઓ વાહન રોડની સાઇડમાં ઉભું રાખી પાછળ પથ્થરોની આડસ મૂકી ઉભા રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા અશોક લેલેન્ડ ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-૧૨-બીવાય-૯૩૨૨ના ચાલકે બોલેરો પીકઅપ અને વીરમભાઈને ટક્કર મારી હડફેટે લીધા હતા. અકસ્માતમાં વીરમભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો માળીયા(મી) સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે વીરમભાઈને મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરી મૃતકના નાનાભાઈ મહેશ ભગુ ગાગલની ફરિયાદને આધારે પોલીસે ટ્રક ટ્રેલર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






