શારીરિક અને માનસિક હેરાનગતિથી કંટાળી યુવતી ૬ મહિનાથી માવતરે, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ.
મોરબીની દીકરીએ હળવદ સ્થિત પતિ, સાસુ અને નણંદ સામે શારીરિક તથા માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ થોડા જ દિવસોમાં દીકરી સાથે મારકૂટ, મેણાટોણા, ઝઘડા અને અપમાન એમ માનસિક શારીરિક દુઃખ ત્રાસ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી છેલ્લા ૬ મહિનાથી દીકરી માવતરે રહે છે. હાલ દીકરીના પિતા દ્વારા કેટલી વખત સમાધાનના પ્રયાસો કર્યા જે નિષ્ફળ જતા મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના રાજપર ગામની દીકરી કૃપાબેન અંકિતભાઈ અગોલા ઉવ.૨૫ દ્વારા મોરબી મહિલા પોલીસ મથકે તેમના પતિ અંકિતભાઈ ભાવેશભાઈ અગોલા, સાસુ મીનાબેન ભાવેશભાઈ અગોલા બંને રહે.આનંદ બંગલોઝ રાણેકપર રોડ હળવદ તેમજ નણંદ અર્પીબેન જીલભાઈ વડગાસીયા રહે. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, કૃપાબેનના લગ્ન ગત વર્ષ ૨૦૨૫માં હળવદ નિવાસી અંકિતભાઈ સાથે થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે પસાર થયા બાદ સાસુ અને નણંદ દ્વારા પતિને ખોટી ચડામણી કરતા ઘરેલુ ઝઘડા, ઘરકામ તેમજ નાની નાની બાબતોને લઈને વારંવાર બોલાચાલી થતા હતા. પતિ દ્વારા અવારનવાર મારકૂટ કરવામાં આવતી હતી.તેમજ એકવાર ફોન બાબતે ઝઘડો કરી દીવાલ સાથે અથડાવ્યા હોવાનું પણ ફરિયાદમાં નોંધ છે. સાસુ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા અને નણંદ દ્વારા ફોન પર ચડામણી કરાતી હોવાના ત્રાસથી કંટાળી કૃપાબેન આશરે ૬ મહિના પહેલા માવતરે આવી ગયા હતા. જે બાદ કૃપાબેનના પિતા દ્વારા સમાજ રાહે સમાધાનના પ્રયાસો કર્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, હાલ મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





