મોરબીનાં અલગ અલગ વિસ્તારમાં પ્રાથામિક સુવિધાની સમસ્યાના લીધે સ્થાનિકોએ ઉમેદવારોને મત માંગવા આવવા માટે મનાઈ ફરમાવી
મોરબીમાં પેટાચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો અને કાર્યકર્તાઓ અલગ-અલગ વિસ્તારમાં ફરી સભા કરી પોતાના પક્ષને જીતાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ થોડા દિવસ પહેલા મોરબીમાં કાલિકા પ્લોટ અને બોરીયાપાટી વિસ્તારમાં પેટાચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે મહેન્દ્રપરા વિસ્તારમાં પણ પેટાચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા.
મોરબીના વોર્ડ નં 3 માં આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર,સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો જેમના તેમ હોય અને નાગરિકો આવી પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયા છે, કેટલાય સમયથી રોડ પાસ થયી ગયેલ હોવા છતાં આજદિન સુધી રોડ બનાવવામાં આવેલ નથી જેથી સ્થાનિકોએ વિધાનસભા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને બેનરો પણ વિસ્તારમાં લગાવી દેવાયા છે.
મોરબીના વોર્ડ નં ૧૨ માં આવેલ બોરિયાપાટી વાડી વિસ્તારમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર,સ્ટ્રીટ લાઇટ અને આરોગ્ય સેવાઓ સહિતના પ્રશ્નો જેમના તેમ હોય અને નાગરિકો આવી પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયા છે જેથી વિધાનસભા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લત્તાવાસીઓએ કર્યો છે અને બેનરો પણ વિસ્તારમાં લગાવી દેવાયા છે.
ગઈકાલે તા. 28ના રોજ મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તાર વોર્ડ નં. 6માં ભૂગર્ભના પાણી રોડ પર આવી જાય છે. આ સમસ્યા ઘણા સમયથી છે. જેનો તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી. આ ઉપરાંત, અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને પણ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. આથી, મહેન્દ્રપરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળવાના લીધે રહીશોએ મોરબી 65 વિધાનસભા પેટાચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે, તેવા બેનરો લગાડ્યા છે. તેમજ આ બેનરમાં કોઈએ મત માંગવા આવવું નહિ તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.