મોરબી તાલુકાના જોધપર નદી ગામના ઝાંપા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા ૫૨ વર્ષીય રમેશભાઈ અજાણાનું ગંભીર ઈજાઓના કારણે ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, જોધપર નદી ગામે રહેતા સાગરભાઈ રમેશભાઈ અજાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક રજી.ન. જીજે-૧૦-ટીવી-૩૮૧૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૯/૦૭ના રોજ કૃતિયાફીના પિતા રમેશભાઈ ગાંડુભાઈ અજાણા ઉવ.૫૨ પોતાના હીરો એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ નં. જીજે-૩૬-એમ-૮૭૧૭ લઈને લાલપર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના ઝાંપા પાસે લીલાપર તરફથી આવી રહેલા ઉપરોક્ત ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદીના પિતા રમેશભાઈને માથા, પગ અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






