ટંકારાના આઉટસોર્સિંગ હેલ્થ વર્કર દ્વારા પગાર વધારા માટે ટંકારા મામલતદાર અને ઈન્ચાર્જ હેલ્થ ઓફિસરને આવેદન પત્ર આપી વિવિધ માંગ રજુ કરી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન તનતોડ મહેનત કરી સરકારની તમામ ગાઇડલાઇનનુ પાલન કરાવનાર કર્મચારીને વેતન વધારાની રજુઆત કરવામાં આવી.
ટંકારા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોર્સિંગની એજન્સી તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગમાં કામ કરે છે. જેમાં માસિક 8,504 જેટલો સામાન્ય પગાર હોવાથી હાલની મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલી હોય ત્યારે આઉટસોર્સના આરોગ્ય કર્મચારીઓ આજે નવનિયુક્ત મામલતદાર એન. પી. શુક્લ અને તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આશિષ સરસાવડીયા મારફતે સરકાર સમક્ષ આવેદનપત્ર પાઠવી પગાર વધારો કરવા બાબતે લેખિત માંગણી કરવામાં આવી હતી.
આ આરોગ્યકર્મીઓ વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે ખડેપગે લોકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા અને કોરોના સંક્રમણ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરી તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઇને આરોગ્ય સેવાઓ પુરી પાડી કપરા સંજોગોમાં પણ લોકોના આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે. જેમાં આઉટસોર્સિંગની એજન્સી તરફથી આરોગ્ય કર્મચારીઓને માત્ર 8,504 જેટલો પગાર ચૂકવવામાં આવે છે. જેમા આરોગ્ય કર્મચારીઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ માટે કર્મચારીઓના પગારમાં વધારો કરવા તથા અનિયમિત મળતા પગાર નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.