બે હજાર રૂપિયા પરત માંગવા જતા બે શખ્સોએ પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી: યુવકને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ.
મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે હાથ ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા ગયેલા યુવક ઉપર બે શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવમાં યુવકને પગ અને હાથમાં ફ્રેક્ચર સહિત માથામાં ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના પ્રેમજીનગર મકનસર ગામે ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાની બાબતે માર મારવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા ઉવ.૩૪ રહે. પ્રેમજીનગર મકનસર વાળાએ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીએ આજથી આશરે આઠ મહિના પહેલા તેઓના ગામના જ જયેશભાઈ વેલજીભાઈ શેખવાને હાથ ઉછીના રૂ.૨ હજાર આપ્યા હતા. ત્યારે ગઈકાલ તા.૦૫/૦૬ના રોજ રાત્રે ફરિયાદી ગામના ઝાંપા નજીક આવેલ જયેશભાઈના ગેરેજે રૂપિયા માંગવા જતા આરોપી જયેશભાઈ તથા તેની સાથે લાલા પોપટભાઈ રાણવાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી બંને આરોપીઓએ પાઇપ લઈને હુમલો કરી ફરિયાદીને આડેધડ માર માર્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
હુમલામાં સુરેશભાઈને ડાબા પગની પીંડીના ભાગે તેમજ જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. ઉપરાંત જમણા પગમાં ટાંકા તથા માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બાદમાં પરિવારજનો તેઓને ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. સમગ્ર મામલે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






