કારમાં ધોકા, ધારિયા, પાઇપ જેવા હથિયારો સાથે આવેલા શખ્સોએ ઘરમાં કાર સાથે પ્રવેશ કરી મચાવ્યો આતંક.
હળવદ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં જૂની અદાવત મામલે પાંચ શખ્સો ફોરવ્હીલ કાર લઈને યુવકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘરમાં કાર મોટરસાઇકલ ઉપર ચડાવી નુકસાન કર્યા બાદ યુવક ઉપર પણ કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત કારમાં ધોકા, પાઇપ અને ધારિયા સાથે આવેલ શખ્સોએ યુવક સહિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ જી.આઈ.ડી.સી. હનુમાનજી મંદિર પાસે રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયા ઉવ.૨૩એ હળવદ પોલીસ મથકે આરોપી રફીક કાદર જામ, હારૂન કાસમ, નિઝામ, સમીર રફીક જામ અને સુરેશ પરમાર તમામ રહે. હળવદ જી.આઈ.ડી.સી. પાછળ છાપરામાં વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૧૯/૦૯ના રોજ આરોપી રફીક કાદર જામ ફોરવ્હીલ કાર નં. જીજે-૩૬-એજે-૦૮૨૦ લઈને તેમના ઘર સુધી આવ્યો હતો. ત્યારે ફરિયાદી પાયલબેને તેમના પતિને જાણ કરતાં તેઓ મોટરસાઇકલ નં. જીજે-૩૬-બીસી-૫૮૪૨ લઈને ઘરે આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ રફીક કાદર જામ, નીઝામ, હારૂન કાસમ, સુરેશ પરમાર અને રફીકનો પુત્ર સમીર જામ કારમાં આવ્યા હતા અને કાર અર્જુનભાઈના મોટરસાઇકલ ઉપર ચડાવી નુકસાન કર્યું હતું. ત્યારબાદ અર્જુનભાઇ ઉપર પણ કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે અર્જુનભાઇ ત્યાંથી બચીને નીકળી જતા આરોપીઓએ કારમાંથી ધોકા, પાઇપ અને ધારિયા કાઢી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તે દરમિયાન ફરિયાદી પાયલબેને ૧૧૨માં ફોન કરતા પોલીસ પહોંચતા આરોપીઓ કાર મૂકીને ભાગી ગયા હતા. ત્યારે સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે પાંચેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૧૦, ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪(૨), ૫૪ તથા જીપી એક્ટ કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






