ગેસ એજન્સીન્જ દુકાન પાસે જ સ્પેરવ્હીલ બદલવાની કામગીરી દરમિયાન કારમાંથી રોકડ અને જરૂરી દસ્તાવેજ ભરેલ બેગ ગાયબ.
મકનસરમાં ગ્રાન્ડ વીટારા કારનું સ્પેરવ્હીલ બદલવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ડ્રાઇવર સીટની બાજુમાં મૂકેલી રૂ.૬.૫૦ લાખ રોકડા સહિતની બેગ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના પટેલનગરમાં મારુતિ અપર્ટમેન્ટ ફ્લેટ નં.૨૦૧ મૂળ મકનસર ગામના વતની રાજેશભાઈ વીરજીભાઈ ફેફર ઉવ.૫૪ ગત તા.૦૫/૧૦/૨૦૨૬ના રોજ તેમના ભાઈ, ભત્રીજા અને સબંધી સાથે ગ્રાન્ડ વીટારા કાર નંબર જીજે-૩૬-એએલ-૨૨૨૯ લઈને મકનસર ખાતે ધંધાના સ્થળે પ્રિયા ગેસ એજન્સીની દુકાને ગયા હતા. રોજિંદું કામ પૂર્ણ કરી રાત્રે આઠ વાગ્યાના અરસામાં પરત ફરતી વખતે કારના પાછળના ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી કારના ચારેય દરવાજા ખુલ્લા રાખી પરિવારજનો સ્પેરવ્હીલ બદલવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાજેશભાઈએ ડ્રાઇવર સીટની બાજુમાં રૂ.૬.૫૦ લાખ રોકડા ભરેલી બેગ મૂકી ગેસનો બાટલો આપવા દુકાન તરફ ગયા હતા. પરત આવી બેગ શોધતા મળી ન આવતા કાર તથા આસપાસ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. બેગમાં રૂ.૬.૫૦ લાખ ઉપરાંત પરિવારજનોની બેંક પાસબુક, ચેકબુક, પ્રિયા ગેસ તથા સત્યમ ગેસ એજન્સીની ચેકબુક અને પિતાનું મૂળ રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો હતા. હાલ ચોરીના બનાવ અંગે ફરિયાદી રાજેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.






