મોરબી-માળિયા નેશનલ હાઇવે પર રામપર ગામના પાટિયા નજીક ટ્રકે પાછળથી બાઈકને ટક્કર મારતા ૩૬ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો.
મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટીમાં રહેતા મનસુખભાઈ મોતીભાઈ બોસીયા ઉવ.૩૬ ગત ૯ જુલાઈએ મિત્રનું હીરો સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે-૩૬-ડી-૧૬૮૧ લઈને માળિયા હાઇવે તરફ ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે મોરબી-માળિયા નેશનલ હાઇવે પર રામપર (નવા નાગડાવાસ) ગામના પાટિયા પાસે ટ્રક નં. જીહે-૩૬-વી-૪૩૬૦ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આવી બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં મનસુખભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. હાલ અકસ્માતના બનાવ મામલે મૃતકના મોટાભાઈ મોહનભાઇ મોતીભાઈ બોસીયાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






