Monday, June 15, 2026
HomeGujaratમોરબીના મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોને શ્રેષ્ઠ પારિતોષિક આપીને...

મોરબીના મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોને શ્રેષ્ઠ પારિતોષિક આપીને કરાયા સન્માનિત

પ્રકૃતિ અને ધરતી માતાના ખોળે સીધો નાતો ધરાવતા રબારી સમાજના શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – 2026” યોજાયો

- Advertisement -
- Advertisement -

પરમ આદરણીય સંતો-મહતોના શુભાષિશ આપી તેમજ ઉચ્ચ અધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ સમાજને તમામ કુરિવાજોથી દુર રહી સમાજના દરેક વ્યક્તિને ઉચ્ચ શિક્ષણ મેળવવાની હાકલ કરી એક આદર્શ નાગરિક બનીને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા પર ભાર મુક્યો

મોરબી : મોરબીમા પ્રકૃતિ અને ધરતી માતાના ખોળે સીધો નાતો ધરાવતા અને પશુપાલનના વ્યવસાયથી રોજીરોટી મેળવતા મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના વિદ્યાર્થીઓ આજના હાઈટેક યુગમાં સમય સાથે કદમ મિલાવી કઠોર પરિશ્રમથી શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવી હોય તેમની આ સિદ્ધિને બિરદાવવા તેમજ સમાજની નવી પેઢીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળે તે માટે ગઈકાલે રવિવારે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમરસ ભવન, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે ભવ્યાતિભવ્ય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મચ્છુ કાંઠા તથા હાલાર રબારી સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક સાથે પરિણામ મેળવનાર સમાજની તેજસ્વી છાત્ર પ્રતિભાઓનું શ્રેષ્ઠ પારિતોષિક આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોના પારિતોષિક સમારોહનો શુભારંભ પ્રારંભ વિદ્યાદેવી સરસ્વતી માતાના દીપ પ્રાગટ્ય અને પૂજ્ય સંતોના શુભાષિશ સાથે કરવામાં આવ્યો હતો. આ તકે પ.પૂ. જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 શ્રી કનીરામદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ) વિશેષ ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. તેમજ પરમ આદરણીય શ્રી મેઘ મંડલેશ્વર રામબાલકદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે સુંદરદાસજી બાપુ (કોઠારી, શ્રી વડવાળા મંદિર, દુધઈ) તથા પરમ આદરણીય શ્રી બંસીદાસજી બાપુના પ્રતિનિધિ તરીકે શ્રી મગનીરામદાસજી બાપુ (કોઠારી, શ્રી આપાગીગાની જગ્યા, મેસરિયા) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.

 

પૂજ્ય સંતોએ ઉપસ્થિત રબારી સમાજને સંબોધિત કરતા કહ્યું હતું કે, રબારી સમાજ વર્ષોથી પરંપરાગત રીતે પ્રકૃતિ સાથે આત્મીય નાતો ધરાવે છે. અગાઉ ભલે આ સમાજમાં ઓછું શિક્ષણ હોય તો પણ આ સમાજ સંસ્કાર અને ભવ્ય સંસ્કૃતિથી દેદીપ્યમાન છે. આવા દિવ્ય સંસ્કાર અને સાંસ્કૃતિક વારસામાં હવે સોનામાં સુગંધ ભળે એમ શિક્ષણનો સંગમ થતા રબારી સમાજ શિક્ષણથી સમૃદ્ધ થઈ રહ્યો છે અને હમણાંથી પેઢી દર પેઢી લોકોમાં શિક્ષણની ચેતનાનો સંચાર થતા સમાજના ઘણા લોકો શિક્ષણથી સમાજમાં મોભાદાર સ્થાન મેળવી રહ્યા છે અને હવે એક દાયકાથી શિક્ષણનો વ્યાપ વધ્યો તેમજ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો બોર્ડ, યુનિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી હોય એ ગૌરવની વાત છે અને હવે જમાનો શિક્ષણ વિના માણસ પશુ સમાન ગણાશે તેથી સમાજના લોકોને તમામ જાતના કુરિવાજોને બેડીને બંધનમાંથી મુક્ત થઈ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ આવી સમાજથી દેશનું ભલું કરવા માટે યોગદાન આપવાની હાકલ કરી હતી.

 

આ કાર્યક્રમમાં સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભુવાશ્રી લખમણઆતા (ખાનકોટડા) તથા ભુવાશ્રી સવાઆતા (અદેપર) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રીમતી રેખાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રબારી સમાજના એવા ઉચ્ચ અધિકારીઓ રહ્યા હતા જેમણે સરકારી સેવાઓમાં સમાજનું ગૌરવ વધાર્યું છે. મોરબીના ડી.વાય.એસ.પી. શ્રી જે. એમ. આલ સાહેબ, અમદાવાદના નિવૃત્ત ડી.વાય.એસ.પી. શ્રી આઈ. એન. દેસાઈ સાહેબ તથા મોરબીના એસ.ટી.ઓ. શ્રી જે. બી. દેસાઈ સાહેબે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દી નિર્માણ અને શાસકીય સેવાઓમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા માટે સતત મહેનત કરવાની પ્રેરણા આપી હતી.

સમારોહ દરમિયાન ઉચ્ચ ગુણાંક સાથે સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સમગ્ર સમાજે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વડવાળા યુવા સંગઠન – મોરબીના હોદ્દેદારો, કાર્યકરો અને યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સંગઠનના સંપ, સેવા અને સંગઠનના સૂત્રને સાકાર કરતો આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને એકતાનો સંદેશ આપતો યાદગાર પ્રસંગ બન્યો હતો.

કાર્યક્રમના અંતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત સમાજના વડીલો, આગેવાનો, માતાઓ-બહેનો, યુવાનો અને વિદ્યાર્થીમિત્રોએ સહભોજનનો લાભ લીધો હતો. આ સહભોજન સમાજની સમરસતા, એકતા અને પારિવારિક ભાવનાનું જીવંત પ્રતીક બની રહ્યું હતું. શિક્ષણ, સંસ્કાર અને સંગઠનના ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય સમારોહે રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશા અને નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો હોવાનું ઉપસ્થિત સમાજના તમામ લોકોએ અનુભવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!