લોનના હપ્તા બાકી હોવાથી રીકવરીથી બચવા નંબર પ્લેટ બદલી આરોપી કાર ચલાવતો હતો.
હળવદ માર્કેટ યાર્ડ સામે થયેલા જીવલેણ અકસ્માતમાં સંડોવાયેલા કાર ચાલકે પોતાની ગાડી ઉપર લોનના હપ્તા બાકી હોવાથી રિકવરીથી બચવા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી. ત્યારે ફેટલ અકસ્માતની પોલીસ તપાસમાં હકીકત બહાર આવતા આરોપી સામે વધુ કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ મોરબી તાલુકા, વાંકાનેર તથા હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન, જાહેર શાંતિ ભંગ તથા એમવી એક્ટ હેઠળના ગુનાઓમાં પોતાનું નામ નોંધાવી ચુક્યો છે.
મળતી વિગતો મુજબ, હળવદ માર્કેટ યાર્ડ સામે તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ થયેલા ફેટલ અકસ્માત કેસમાં હળવદ પોલીસ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. આ અકસ્માતમાં રોડ ક્રોસ કરતા અરવિંદ ઠાકરશીભાઈનું અર્ટીગા કારની ટક્કરથી ગંભીર ઇજા થતાં મોત થયું હતું. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતાં એક જ નંબરવાળી બે અલગ-અલગ અર્ટીગા કાર હોવાનો ભેદ ખુલ્યો હતો. જેના આધારે આરોપી બીપીન મલાભાઈ રાઠોડ રહે. લીલાપર મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પુછપરછમાં આરોપીએ કબૂલાત આપી કે, પોતાની અર્ટીગા કાર રજી.નં. જીજે-૩૬-એએક્સ-૮૫૦૮ ઉપર બેંક લોનના હપ્તા બાકી હોવાથી રીકવરી એજન્ટ ગાડી કબ્જે ન કરે તે માટે બીજી કાર રજી.નં. જીજે-૦૩-પીજે-૭૧૦૫ ની નંબર પ્લેટ બનાવી ખોટી રીતે ઉપયોગમાં લીધી હતી. આથી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉના અકસ્માત કેસમાં પણ બીએનએસ તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી ચાલુ છે. આ સાથે હળવદ પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી છે, જેમાં આરોપી બીપીન મલાભાઈ રાઠોડ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહી.કેસ, જાહેર શાંતિ ભંગ તથા એમવી એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.





