તાજેતરમાં મોરબી જિલ્લાનો સમાવેશ રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત મોરબીની મુલાકાતે આવેલા રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી રામજીની પવિત્ર પ્રતિમા અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની મોરબી મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, અજય મારવણિયા અને પરેશ ઘોડાસરાએ મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ અંગે રેન્જ આઈજીને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે દેશની નિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગના મહત્વપૂર્ણ યોગદાનથી માહિતગાર કર્યા હતા. ઉદ્યોગકારોએ કચ્છ વિસ્તારમાંથી ઉદ્યોગ માટે આવતા વિવિધ પ્રકારના કાચા માલના પરિવહન અને પુરવઠા દરમિયાન સર્જાતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરી હતી. કાચા માલની હેરફેર દરમિયાન ઉદ્યોગોને પડતા પડકારો અને તેના કારણે ઉત્પાદન તથા વેપાર પર થતી અસર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમારે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ હંમેશા જિલ્લા વહીવટીતંત્ર અને સરકારી વિભાગો સાથે સંકલન અને સહયોગની ભાવના સાથે કાર્ય કરતો આવ્યો છે. ઉદ્યોગના વિકાસ ઉપરાંત જાહેર હિતના અનેક કાર્યોમાં પણ સિરામિક ઉદ્યોગકારોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ઉદ્યોગકારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને મોરબીના સિરામિક ઉદ્યોગને કોઈપણ પ્રકારની અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્ર તરફથી શક્ય તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગોને લગતા પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે પોલીસ તંત્ર હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરશે અને ઉદ્યોગકારો સાથે સતત સંવાદ જાળવી રાખશે. સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ અને વહીવટી તંત્ર વચ્ચે વધુ સારા સંકલન, સંવાદ અને સહકારની ભાવના મજબૂત બની હતી. અંતે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ વડા મુકેશકુમારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ ઉદ્યોગના હિતમાં સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.






