વૈશ્વિક લેવલે સિરામિક ક્લસ્ટર મોરબીનું કદ વધતા સિરામિક કંપની અને ટ્રેડર્સ સાથે છેતરપિંડીના બનાવો વધતા આવા ફ્રોડ રોકવા મોરબીના સિરામિક ટ્રેડર્સ એસોસીએશન દ્વારા તમામ ટ્રેડર્સનું રજીસ્ટ્રેશન કરી યુનિક કોડ આપવા નક્કી કરાયું છે અને એક જ દિવસમાં આ માટેના ૧૫૦ જેટલા ફોર્મ પણ ભરાયા છે.
મોરબી સિરામિક એસોસીએશનની વોલ, ફ્લોર, વિટ્રીફાઇડ અને સેનેટરીવેર્સ એમ ચારેય પાંખ સાથે બેઠક યોજી મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસીએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ તમામ ટ્રેડર્સનો ડીઝીટલ ડેટા બનાવી તમામને યુનિક આઇડેન્ટિટી ઓળખ આપી વેબસાઈટ ઉપર તમામ વિગતો પ્રદર્શિત કરવામા આવશે જેથી દેશ-વિદેશમાંથી કોઈપણ ગ્રાહક સાચા અને ફ્રોડને આસાનીથી ઓળખી શકશે.
વધુમાં આ અંગે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોશિએશનના પ્રમુખ કે.કે.પટેલે મોરબી અપડેટ સાથની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મોરબીમાં ૨૦૦૦ જેટલા ટ્રેડર્સ સિરામિક ક્ષેત્રે દેશ-વિદેશમાં વ્યાપાર કરી રહ્યા છે ત્યારે છેતરપિંડીના બનાવો બનતા અટકાવવા મહત્વનો નિર્ણય લઈ ટ્રેડર્સ એસોસીએશનની ખાસ વેબસાઈટ બનાવાશે જેમાં તમામ ટ્રેડર્સની વિગતો, લોકેશન, ઘરનું એડ્રેસ અને સાથે જે-તે કંપની સાથે ડીલ કરતા હોય તે કંપનીનો રેફરન્સ પણ આપવામાં આવશે ઉપરાંત ટ્રેડર્સને યુનિક આઇડેન્ટિટી માટે એક યુનિક નંબર પણ અપાશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે ફ્રોડ અટકાવવા મામલે સિરામિક એસોશિએશનની ઓફિસે ખાતે એક મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ અને સેનેટરીવેર્સ એસોશિએશનના પ્રમુખ પણ ખાસ હાજર રહયા હતા અને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે એક જ દિવસમાં ૧૫૦ જેટલા ટ્રેડર્સનું રજીસ્ટ્રેશન પણ થઈ જતા ખૂબ જ ટુક સમયમાં નવી સિસ્ટમ અમલી બનશે જેથી કરીને ફ્રોડનું પ્રમાણ ઘટશે તેમ અંતમાં કે.કે.પટેલે જણાવ્યું હતું.