હળવદ પંથકના ચુપણી ગામે વાડીના શેઢેથી ચાલવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખી કૌટુંબીક ભાઈએ છરીના આડેધડ ઘા મારી ભાઈની હત્યા નિપજાવતા નાના એવા ચુપણી ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે પતિને બચાવવા વચ્ચે પડેલ પત્નીને પણ હાથમાં છરી વડે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હત્યાના બનાવ મામલે મૃતકના દીકરા દ્વારા હત્યા નિપજાવનાર કૌંટુબીક કાકા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૦૨,૩૨૪ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
હત્યાની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા રામાભાઈ ઓળકીયા તેના પત્ની તથા તેમનો કૌંટુબીક ભાઈ ગણેશભાઈ ઓળકીયા તથા તેમના પત્ની એમ બંને સજોડે ચાર દિવસ પહેલા અલગ અલગ બાઈક ઉપર દ્વારકા દર્શન કરવા ગયા હતા ત્યારે ગણેશભાઈ રસ્તામાં પાછળ રહી ગયા હતા જેથી તે બાબતે ગણેશભાઈએ રામાભાઈને પોતાની વાડીના શેઢે ચાલતા નહિ એમ જણાવતા રામાભાઈએ પણ ગણેશભાઈને પાટાની વાડીના શેઢે ચાલવાની ના પાડી હતી ત્યારે આવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખી ગઈકાલે ચુપણી ગામના ઝાંપા પાસે રામાભાઈ અને તેમના પત્ની વાલીબેન જતા હોય ત્યારે ગણેશભાઈએ બોલાચાલી કરી ઝઘડો કરી એકદમ આવેશમાં આવી રામાભાઈને છરીના છાતીમાં, પેટમાં, હાથમાં પગમાં આડેધડ ઘા ઝીકી દીધા હતા જયારે ઝઘડામાં પતિને બચાવવા વચ્ચે પડેલ વાલીબેનને હાથના ભાગમાં છરીથી ઇજા પહોંચાડી હતી.
બનાવની જાણ મૃતક રામાભાઇના દીકરાઓને થતા ઘટના સ્થળે દોડી જઈ પિતાને બેભાન હાલતમાં સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી રામાભાઇને મૃત જાહેર કર્યા હતા. તથા માતા વાલીબેનને હાથમાં ઇજા થતા તેઓને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારે સમગ્ર હત્યાના બનાવમાં મૃતક રામાભાઇના દીકરા ભરતભાઈ રામાભાઇ ઓળકીયાએ હત્યા નિપજાવનાર આરોપી ગણેશભાઈ વાલજીભાઇ ઓળકીયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે હત્યારા આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.