૧૧ વિઘા ખેતર, સોનાના દાગીના વેચી ૩૭ લાખ સામે ૭૫ લાખથી વધુ વ્યાજ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી અને ધમકીઓ ચાલુ.
મોરબીના આલાપ રોડ વિસ્તારમાં રહેતા હોટલ સંચાલક પિતા-પુત્રએ ધંધા માટે ઊંચા વ્યાજે લીધેલા રૂપિયા બાબતે વ્યાજખોરો દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને ધમકીઓના કારણે હોટલ સંચાલક પિતાએ માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલા રૂ.૩૭ લાખ, ખેતર અને સોનાના દાગીના વેચીને ૭૫ લાખથી વધુ રૂપિયા ચૂકવ્યા છતાં આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
મળતી વિગતો મુજબ, મોરબીના આલાપ રોડ ઉપર તિરૂપતિ સોસાયટીમાં રહેતા નિરવભાઈ અશ્વિનભાઈ બોપલીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ૭ વ્યાજખોરો જેમાં (૧)ઇમરાનભાઈ ગુલામભાઇ માડકીયા રહે. મોરબી, (૨)અજયભાઈ ભટ્ટ રહે. વાઘપરા મોરબી, (૩)ગીરીરાજસિંહ ગોહીલ મોરબીમાં રવાપર રોડ જીટીપીએલની ઓફીસ ધરાવતા રહે.રાજકોટ, (૪)ભરત રબારી રહે.થોરાળા તા.જી.મોરબી, (૫)અજીતભાઈ જેસંગભાઇ રાઠોડ રહે.ન્યુ હાઉસીંગ બોર્ડ મોરબી, (૬)વિપુલ જેસંગભાઇ રાઠોડ રહે. નવલખી રોડ મોરબી તથા (૭)કિશનભાઈ રબારી રહે.મકનસર તા.જી.મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસાર, નિરવભાઈ અને તેમના પિતા અશ્વિનભાઈએ મોરબીમાં “મોમ્સ” નામની હોટલ ચલાવતા હતા અને ધંધા માટે ઉપરોક્ત વ્યાજખોર આરોપીઓ પાસેથી ૪ ટકાથી લઈને ૩૦ ટકા સુધીના વ્યાજ દરે કુલ ૩૭.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ સામે આશરે ૭૫ લાખથી વધુ વ્યાજની રકમ પેટે ચુકવી દીધી હતી, આ માટે ૧૧ વિઘા જમીન તેમજ સોનાના દાગીના વેચવા પડ્યા હતા. છતાં આરોપીઓ દ્વારા સતત વધુ રકમની માંગણી, પઠાણી ઉઘરાણી અને ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી.
વ્યાજખોરોએ કોરા સહી કરેલા ચેક, મકાનનો દસ્તાવેજ તેમજ મોબાઇલ ફોન પણ પોતાના કબ્જામાં રાખ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. જેથી સતત માનસિક ત્રાસ અને દબાણને કારણે ફરિયાદી નિરવભાઈના પિતા અશ્વિનભાઈએ ગત તા.૨૩ એપ્રિલના રોજ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





