હળવદના જુના રાણેકપર ગામ નજીક ટ્રેક્ટર-ટ્રોલી પાછળ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવતું મોટરસાયકલ અથડાતાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજતા હળવદ પોલીસે મૃતક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, મૂળ મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના વતની અને હળવદના રાણેકપર ગામે વાડીએ રહેતા અશ્વિનભાઈ ડકભાઈ તાવીયાડ ગત તા. ૨૯ ઓગસ્ટના રોજ રાત્રે રાણેકપર ગામ નજીક ટ્રેક્ટર-ટ્રોલી નં. જીજે-૩૬-એઆર-૮૫૨૨ લઈને જતા હોય તે દરમિયાન તેની પાછળ મોટરસાયકલ નં. જીજે-૩૬-એજી-૯૦૪૫ અથડાયું હતુ. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ભરતભાઈ શામજીભાઈ સીપરા ઉવ.૪૫ રહે. નવા રાણેકપર તા. હળવદ વાળાને ડાબી આંખ, પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ, ત્યારબાદ મોરબી અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા. ૫ સપ્ટેમ્બરે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ટ્રેક્ટર ચાલકની ફરિયાદને આધારે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






