કોરા ચેક અને હાથ ઉછીનાના લખાણ લખાવી લઈ પઠાણી ઉઘરાણી: ૪ લાખના ૮.૪૦ અને ૧.૫૦લાખના ૧.૩૫ લાખ રૂપિયા વ્યાજ વસૂલ્યા છતા જાનથી મારી નાખવાની ધમકી.
મોરબીના ખાનપર ગામના બોરવેલના વેપારીએ બે વ્યસજખોર શખ્સો સામે ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી, માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ બળજબરીપૂર્વક કોરા ચેક અને હાથ ઉછીનાનું લખાણ લખાવી લઈ લાખો રૂપિયાનું વ્યાજ વસૂલ્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે બીએનએસ અને મની લેન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને બોરવેલનો ધંધો કરતા પારસભાઈ રમેશભાઈ રૈયાણીએ આરોપી પરબતભાઇ સવજીભાઈ રબારી રહે. કોયલી તા.જી.મોરબી અને નિકુંજ ઉર્ફે નીતિનભાઈ વાસીયાંગભાઈ રહે. ગજડી તા.ટંકારા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કે, ધંધામાં આર્થિક જરૂરિયાત ઊભી થતાં તેમણે સાતેક માસ અગાઉ અલગ અલગ સમયે ૩૦ ટકા માસિક વ્યાજે આરોપી પરબતભાઈ રબારી પાસેથી રૂ.૪ લાખ અને નિકુંજ ઉર્ફે નીતીનભાઈ જારીયા પાસેથી રૂ.૧.૫૦ લાખ લીધા હતા. આ માટે આરોપીઓએ ગેરંટી તરીકે ફરિયાદીના સહીવાળા કોરા ચેકો તેમજ હાથ ઉછીનાનું નોટરી લખાણ લખાવી લીધુ હતું.
વ્યાજખોર આરોપી પરબતભાઈને અત્યાર સુધીમાં રૂ.૮.૪૦ લાખ અને નિકુંજભાઈ ઉર્ફે નીતિનભાઈને રૂ.૧.૩૫ લાખ જેટલી વ્યાજની રકમ ચૂકવ્યા છતાં બંને આરોપીઓ વધુ રકમ માટે સતત દબાણ કરતા હતા. વ્યાજ ભરવામાં મોડું થાય તો પેનલ્ટી વસૂલવામાં આવતી અને હાલ ધંધામાં મંદી આવતા ફરિયાદી દ્વારા વ્યાજ ચૂકવેલ ન હોય જેથી આરોપીઓ વારંવાર ફોન કરી, રસ્તામાં રોકી અને બજારમાં મળતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઉપરાંત ગેરંટી તરીકે લીધેલા કોરા ચેકોના આધારે ચેક રીટર્નના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા. મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






