ચાર ઈસમો સામે હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
હળવદના માણેકવાડા ગામે જુના મનદુઃખ મામલે બઘડાટી બોલી ગઈ હતી આ મારામારીમાં બેથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ મામલે ચાર શખ્સો સામે હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના માણેકવાડા ગામે રહેતા વિક્રમભાઇ કમાભાઈ કટોણા (ઉ.વ ૨૨) એ આરોપીઓ નારણભાઇ બેચરભાઇ, ગોપાલભાઇ બેચરભાઇ, શેલાભાઇ પુનાભાઇ, મુક્તાબેન બુટાભાઇ કટોણા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૦ ના રોજ ફરીયાદીના નાના ભાઇ વિશાલ તથા આરોપી મુક્તાબેનના છોકરા અલ્પેશભાઇ મિત્ર હોય, તેઓને અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી લાકડીઓ તથા પ્લાસ્ટિકના પાઇપ જેવા હથીયાર વડે ફરીયાદીને આરોપી ગોપાલભાઇએ લાકડી વડે કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી તથા આરોપી નારણભાઇએ લાકડી વડે જમણા પગે સાથળના ભાગે મુંઢ ઇજા પહોંચાડી અને સાહેદ ચંદુભાઇને આરોપી પુનાભાઇએ પ્લાસ્ટીકના પાઇપ વડે કપાળ ઉપર ઇજા પહોંચાડી તથા સાહેદ મેહુલભાઇને આરોપી મુક્તાબેને લાકડીથી ડાબા હાથે કોણીના ભાગે ઇજા પહોંચાડી હતી અને ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.