અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દિલ્હી, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી દ્વારા સાંસદ સભ્યને પત્ર લખીને ગૌમાતા રાષ્ટ્રમાતા એ અભિયાનમાં જોડાવા સમગ્ર હિન્દુ જનતાને આહવાન કરવામાં આવ્યું છે.
અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દિલ્હી, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી દ્વારા સાંસદ સભ્યને પત્ર લખી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે જણાવ્યું છે કે બહુમતી હિન્દુ ધર્માવલંબીઓ ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. વેદ, શાસ્ત્ર, પુરાણ સ્મૃતિ વગેરે તમામ ધર્મ શાસ્ત્રો ગાયો ને પશુ ગણવા માટે ના પાડે છે. ગાવો વિશ્વસ્ય માતર, ગાય સમગ્ર વિશ્વની માતા છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુ શ્રેણીમાં ગણી આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ સમાવેશ કરી રાજ્ય સરકારનો વિષય બનાવેલ છે. વસ્તુતઃ આ ધાર્મિક આસ્થાનો મામલો હોય એને બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવો તેમજ સંપૂર્ણ ભારતમાં ગો વંશ હત્યા પ્રતિબંધિત કાનુન બનાવી ગૌમાતાને પશુ શ્રેણી માંથી હટાવીને ગૌમાતાને રાષ્ટ્ર માતાના પદ પર પ્રતિષ્ઠા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. તેમજ આ માંગણીને લઈને ચારેય પીઠનાં શંકરાચાર્યજીનાં નેતૃત્વમાં હિન્દુ સમાજનો ગો માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા અભિયાન ચલાવે છે. જેમાં જ્યોતિર્મઠ (બદરી કેદાર)નાં શંકરાચાર્યજી સ્વામી શ્રી અવિમુકેશ્વરાનંદજી ૩૩ દિવસ માં ૩૩ રાજ્યો ગૌ માતા રાષ્ટ્ર માતા બને તે માટે હિન્દુ જાગૃતિ માટે યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા ૧૬/૧૦/૨૦૨૪ નાં રોજ અમદાવાદ આવી રહી છે. તો આ યાત્રામાં સૌ હિન્દુ ધર્મપ્રેમી જનતા તન, મન, ધન થી જોડાઈ તેમજ તે દિવસે બપોર નાં ૨ વાગ્યે તે યાત્રાનું સ્વાગત કરી ગૌ ધ્વજનાં પ્રતિષ્ઠા કાર્યમાં સહભાગી થવા લોકોને અપીલ કરી છે. તેમજ આ તકે દ્વારકા પીઠનાં શંકરાચાર્યજી સ્વામી સદાનંદસરસ્વતીજીની ખાસ ઉપસ્થિતિ તેમજ અધ્યક્ષતા રહેશે. તો આ કાર્ય માં જોડાઈ ગૌ માતા તેમજ શંકરાચાર્યજીનાં આશિષ મેળવવા અપીલ કરી છે તેમજ જેમ મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરી છે તેમજ ગુજરાતમાં સરકાર પણ તા.૧૬/૧૦/૨૦૨૪ પહેલાં ઘોષિત કરે તેવી માંગ કરી છે.