હથિયારો સાથે ધસી આવેલા બે મહિલા સહિત ૧૦ સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે કુટુંબી ભાઈના ઘરમાં ચિઠ્ઠી નાખવા બાબતે થયેલા વિવાદમાં ૧૦ લોકોએ હથિયાર ધારણ કરી એકસંપ થઈ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી તથા ઘરના આંગણામાં પડેલ ટ્રેક્ટરમાં નુકસાન કર્યું હોવાની ફરિયાદ અત્રેના પોલીસ મથકે નોંધાવતા, પોલીસે બે મહિલા સહિત ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા ભરતભાઈ પાલાભાઈ મકવાણા ઉવ.૩૬એ હળવદ પોલીસમાં આરોપી છનાભાઈ કાનાભાઈ મકવાણા, પ્રકાશ છનાભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, હેમંત બાલાભાઈ મકવાણા, નિલેશ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ કાનાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશભાઈ બાલાભાઈ મકવાણા અને કોકીલાબેન જગદીશભાઈ મકવાણા, તમામ રહે. જુના ઇશનપુર તા.હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદીના કુટુંબી ભાઈ આરોપી છનાભાઈ કાનાભાઈ મકવાણા સહિતના ૧૦ આરોપીઓ હથિયારો સાથે તેમના ઘર પાસે આવ્યા હતા અને “અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે?” તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ દરમિયાન આરોપી પ્રકાશ છનાભાઈ મકવાણાએ લાકડાના ધોકાથી ફરિયાદીના ટ્રેક્ટરના બોનેટ તથા હેડલાઈટમાં નુકસાન કર્યું હતું. હાલ બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની કલમો હેઠળ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






