મોરબીની માધાપરવાડી કુમાર કન્યા અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 90 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાયો હતો, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ, 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને શાળાના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીની માધાપરવાડી કુમાર કન્યા અને માધ્યમિક શાળામાં નવા પ્રવેશ મેળવનારા બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ, સહાય અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે જ બાલવાટિકાથી ધોરણ-8 સુધીના પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જવાહર નવોદય અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન 100 ટકા હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દૂરના વિસ્તારોમાંથી આવતી 150 વિદ્યાર્થીનીઓ માટે ચાલતી ટ્રાન્સપોર્ટેશન સુવિધાના વાહનને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ગૌરવ અને શૈક્ષણિક ઉર્જાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






