ગુજરાત ભાજપમાં સંગઠનમાં ચાલી રહેલા ફેરફારમાં હવે મોરબીના પ્રમુખ પણ બદલાયા છે. હાલમાં જ પ્રદેશ ભાજપ દ્વારા જે રીતે સંગઠનમાં ફેરફારની અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો ચાર્જ દૂરલ્લભજીભાઈ દેથરીયા પાસેથી લઈ રણછોડભાઈ દલવાડીને સોંપવામાં આવ્યો હતો. જેને લઈ આજ રોજ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા દૂરલ્લભજીભાઈ દેથરીયાને ભાવ ભરી વિદાય આપી રણછોડભાઈ દલવાડીને આવકારવામાં આવ્યા હતા.
પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મોરબી જિલ્લા ભાજપના વિદાય લઈ રહેલા પ્રમુખ દૂરલ્લભજીભાઈ દેથરીયાને પ્રધાનમંત્રીની મન કી બાતનું પુસ્તક આપી આભાર અભિવાદન કરવામાં આવ્યું હતું અને તે બાદ નવા વરાયેલા પ્રમુખ રણછોડભાઈ દલવાડીને આવકાર અભિનંદન અને શ્રીફળ, સાકરનોપડો, ગુલદસ્તો, શાલ, ધાર્મિક પુસ્તક ગીતાજી અને સુતરની માળાથી આવકારવામાં આવ્યા હતા. આ તકે બ્રિજેશ મેરજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ બળવતર બને અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સેવાહી સંગઠનની ભાવના સાર્થક કરવા ટીમ બીજેપી મોરબી વધુને વધુ કાર્યરત રહે અને કાર્યકરોનો જોમ જુસ્સો સંગઠન અને સરકારના કામોમાં વધુ દીપી ઊઠે તેવી સૌને પ્રેરણા મળતી રહે તેવી શુભકામનાઓ નવા પ્રમુખને પાઠવી છે. સાથોસાથ મોરબી જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખો બીપીનભાઈ દવે, રાઘવજીભાઈ ગડારા અને દુલાભાઈ દેથળીયાએ સંગઠન માટે કંડારેલ કેડીએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર વધુ મજબૂત બને તેવા રાહબર બની રહેવા શુભેચ્છા પાઠવી છે. તેમ બ્રિજેશ મેરજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.