એટેન્ડન્સ મશીનમાં અન્ય કર્મચારીઓની ખોટી હાજરી પુરાવી પગાર ઉપાડવાનો આક્ષેપ, આર્થિક નુકસાન પહોંચાડતા ભ્રષ્ટાચાર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ.
મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ખોટી હાજરી પુરાવી નાણાંકીય ઉચાપત અને ભ્રષ્ટાચાર આચરવાના મામલે ૮ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ એટેન્ડન્સ મશીનમાં પોતાની આંગળી અને ફેસ રેકોગ્નિશનનો ઉપયોગ કરી અન્ય કર્મચારીઓની પણ ખોટી હાજરી પુરાવતા હતા. ત્યારે સીસીટીવી ફૂટેજ અને હાજરી રેકોર્ડની તપાસમાં ગેરરીતિ બહાર આવી હતી. સંડોવાયેલ કેટલાક કર્મચારીઓએ લેખિતમાં કબૂલાત અને માફીનામું આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
મોરબી મહાનગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીમાં ગેરરીતિ અને નાણાંકીય ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જિનિયર દિપભાઈ સુરેશભાઈ ફળદુએ નોંધાવેલી ફરિયાદના આધારે મોરબી પોલીસ દ્વારા કુલ ૮ કર્મચારીઓ જેમાં આરોપી તરીકે મંદીપ ચાવડા રહે. નાનીવાવડી, વિમલભાઈ બાવળીયા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી સામાકાંઠે, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર સામાકાંઠે, સુનીલભાઈ ભરતભાઈ મકવાણા રહે. અનુજાતીવાસ મોરબી, રોહીતભાઈ ધીરુભાઈ, લલીતભાઈ કુમાર ચાવડા, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડા અને રાજેશભાઈ ચારેય રહે. મોરબી વાળાએ ગેરરીતિ આચરી હતી. ત્યારે ડેપ્યુટી કમિશ્નરને મળેલ વિગતો મુજબ, મનપાના વર્કશોપ વિભાગના કેટલાક કર્મચારીઓ અન્ય કર્મચારીઓની હાજરી એટેન્ડન્સ મશીનમાં ખોટી રીતે પુરી રહ્યા છે. જેથી તા.૦૫/૦૫ અને ૦૬/૦૫ના હાજરી રજીસ્ટર અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવતા, ઉપરોક્ત કર્મચારીઓ પોતાની આંગળીઓ અને ફેસ રેકોગ્નિશન દ્વારા અન્ય કર્મચારીઓની પણ હાજરી નોંધાવી રહ્યા હતા. એટેન્ડન્સ મશીનના રેકોર્ડ મુજબ મંદીપ ચાવડા, વિમલભાઈ બાવળીયા અને અભયભાઈ ચૌહાણ અન્ય કર્મચારીઓની ખોટી હાજરી પુરાવતા હોવાનું બહાર આવ્યું હતું.
ઉપરોક્ત મામલે નાયબ કમિશનરે ઉપરોક્ત કર્મચારીઓને રૂબરૂ બોલાવી પૂછપરછ કરતા તેમણે લેખિતમાં કબૂલાત કરી માફીનામું પણ આપ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તપાસ દરમિયાન આરોપીઓએ મળીને કુલ ૧૩ રોજમદાર કર્મચારીઓની ખોટી હાજરી પુરાવી બે દિવસમાં રૂ. ૯,૭૫૫ના પગારની ઉચાપત કરી મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અને કેટલાક કર્મચારીઓએ પોતાના બેન્ક એકાઉન્ટમાં ખોટી હાજરીના આધારે મળેલી રકમ સ્વીકારી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





