મામલતદારના આદેશ મુજબ વાડીનો બંધ રસ્તો ખુલ્લો કરવા જતાં ધોકા વડે માર માર્યાનો આક્ષેપ:આ વિવાદમાં અગાઉ ૧૮ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી
હળવદના રાયસંગપર રોડ પર વાડીનો રસ્તો ખુલ્લો કરવા ગયેલા સંજયભાઈ ચાવડા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. રસ્તાના વિવાદમાં બે મહિલા સહિત છ વ્યક્તિઓ સામે મારામારી, ગાળો આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ગોકુલનગરમાં રહેતા સંજયભાઈ નરશીભાઈ ચાવડા ઉવ.૩૩એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રાયસંગપર રોડ પર આવેલી તેમની સર્વે નં. ૬૮૪ પૈકી ૦૨ની વાડીનો આવવા-જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે હળવદ મામલતદાર સમક્ષ કરેલા કેસનો ચુકાદો તેમના પક્ષમાં આવતાં તા.૧૫ ઑક્ટોબરના રોજ તેઓ પરિવારજનો સાથે ટ્રેક્ટરથી રસ્તો ખુલ્લો કરવા ગયા હતા. તે દરમિયાન આરોપી મનજીભાઈ છગનભાઈ સોનગ્રા, દેવુબેન મનજીભાઈ સોનગ્રા, ગીતાબેન મેહુલભાઈ સોનગ્રા, મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનગ્રા, સવજીભાઈ છગનભાઈ સોનગ્રા અને જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા બધા રહે.હળવદ વાળાએ ગાળો આપી ધોકા વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ હુમલામાં સંજયભાઈ સહિત પરિવારના સભ્યોને ઈજાઓ થઈ હતી અને રસ્તો ખોલવા ફરી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્તોએ હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલ હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ રસ્તાના વિવાદમાં અગાઉ સામા પક્ષે પણ આશરે ૧૮ વ્યક્તિઓ સામે હુમલો અને ખેતરમાં નુકસાન અંગે ફરિયાદ નોંધાવી હતી.






