બે જૂથ વચ્ચે બઘડાટી: ધોકા વડે માર મારવા, ગાળો આપવા અને ઇજાઓ પહોંચાડવા સહિતના આરોપ
માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે અગાઉના દારૂના કેસની વાતો ગામમાં ફેલાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં વિશાલ બાબરીયા અને અનીલ થરેશા સહિત બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં માળીયા(મી) પોલીસે કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે ગત તા.૧૮ ઑક્ટોબરના રોજ આઠમના તહેવાર દરમિયાન દારૂના કેસની વાતો ગામમાં ફેલાવવાના મુદ્દે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વિશાલ મનસુખભાઈ બાબરીયાની ફરિયાદ મુજબ, તેમના મિત્ર આરોપી અનીલ નીલેશભાઈ થરેશાએ તેને ગામની બહાર બોલાવી દારૂના કેસની વાતો ફેલાવવા અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપી અનીલ સાથેના રાકેશ નીલેશભાઈ થરેશાએ ધોકા વડે સાથળના ભાગે માર માર્યો હતો, જ્યારે આરોપી અજય રમેશભાઈ થરેશા અને ગેલાભાઈ રમેશભાઈ થરેશાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
જ્યારે સામાપક્ષે, ફરિયાદી અનીલ નીલેશભાઈ થરેશાની ફરિયાદ મુજબ, વિશાલ બાબરીયા અગાઉના દારૂના કેસ અંગે સમાચારના આધારે તેની ગામમાં ખોટી અફવાઓ ફેલાવતો હોવાની વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી વિશાલે તેને લાફો મારી પાડી દીધો હતો અને ધોકા વડે પગના ભાગે માર માર્યો હતો, જ્યારે વિશાલના ભાઈ આરોપી અમિત મનસુખભાઈ બાબરીયા અને રાજદીપ નાનજીભાઈ બાબરીયાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બંને પક્ષની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટની સંબંધિત કલમો હેઠળ કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






