વાળ કપાવવામાં મોડો વારો આવશે તે મુદ્દે બબાલ, દુકાનદાર પિતા-પુત્રને માર મારવા અને માફી મંગાવતા સીસીટીવી ફૂટેજ વાયરલ.
મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલી અશોક હેર સલૂનની દુકાનમાં વાળ કપાવવાના વારા મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે શખ્સોએ દુકાનમાં ઘૂસી મારામારી અને તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તમામ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ તેમજ દુકાન ધારકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના દલવાડી સર્કલ કેનાલ પાસે આવેલી “અશોક હેર સલૂન” ધારક અને આનંદ નગર નજીક ખોજા સોસાયટી મોરબી ખાતે રહેતા પ્રશાંતભાઈ અશોકભાઈ લાંધણોજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૩ મેના રોજ સાંજે આરોપી પ્યારૂ દાદુભાઈ પરમાર રહે. મોરબી દલવાડી સર્કલ કેનાલ પાસે વાળો વ્યક્તિ દુકાને વાળ કપાવવા આવ્યો હતો. તે સમયે અન્ય ગ્રાહકો હોવાથી થોડો સમય રાહ જોવી પડશે તેમ જણાવતા તે ગુસ્સે થઈ દુકાનેથી નીકળી ગયો હતો.
ત્યારબાદ રાત્રિના સમયે આરોપી પ્યારૂ દાદુભાઈ પરમાર અન્ય એક આરોપી આકાશ રહે.મોરબી વાળાને સાથે રાખી ફરી દુકાને આવ્યો હતો. જ્યાં બંને આરોપીઓએ વાળ કપાવવાની ના પાડવાના મુદ્દે બોલાચાલી કરી દુકાનદાર તથા તેમના પિતાને ગાળો આપી માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ બંને શખ્સોએ દુકાન બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.
ઘટના દરમિયાન ફરિયાદીના ભાઈ મોહિતભાઈ પણ સ્થળ પર આવી ગયા હતા. આરોપીઓએ તેમને પણ ધમકી આપી હતી અને ફરી આવ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી અને તેના પિતાને માફી મંગાવી હતી. હાલ સમગ્ર બનાવની ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






