અકસ્માતમાં પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ: ડમ્પરચાલક વાહન મૂકીને ફરાર, પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
મોરબી નજીક બરવાળા પાસે રોંગ સાઇડમાં પૂરઝડપે આવેલા ડમ્પરે બોલેરો જીપને ટક્કર મારતાં બે ભાઈ અને બનેવીનાં મોત નીપજ્યાં હતાં. આ ગંભીર અકસ્માતમાં પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ, ગઈકાલ રાત્રીના ૧૨ વાગ્યા આસપાસ મોરબી તાલુકાના બરવાળા ગામથી અડધો કિલોમીટર આગળ બોલેરો જીપ નંબર એમપી-૩૦-સી-૪૪૧૮ અને ડમ્પર રજી.નંબર જીજે-૨૬-ટી-૪૮૭૨ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની તાલુકા પોલીસ મથકે સહાદરભાઈ રૂમાલભાઈ મોહનિયાની ફરિયાદ મુજબ, ઉપરોક્ત ડમ્પરચાલકે રોંગ સાઇડમાં પૂરઝડપે અને બેદરકારીથી વાહન હંકારતાં બોલેરો સાથે સામસામે ટક્કર મારી હતી. અકસ્માતમાં સહાદરભાઈના બે ભાઈ મહેન્દ્ર રૂમાલ મોહનિયા ઉવ.૪૩ અને દિનેશ રૂમાલ મોહનિયા ઉવ.૨૭ તથા બનેવી શંકર પુનસિંગ અજનાર ઉવ.૩૬નાં મોત નીપજ્યાં હતાં.
અકસમાતમાં ફરિયાદી સહિત પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ થતાં સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટક્કર બાદ ડમ્પર ડિવાઇડર સાથે અથડાઈને ઊભું રહી ગયું હતું અને તેનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે ડમ્પરચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ડમ્પરચાલકને શોધવા તપાસ હાથ ધરી છે.






