નવલખી રોડ, શક્તિચોક, વાવડી રોડ અને મોરબી-વાંકાનેર હાઈવે પર ચકાસણી, બેદરકારી બદલ વેપારીઓને નોટિસ, કડક કાર્યવાહીની ચેતવણી.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરની ૬૭ ખાણી-પીણી અને ફરસાણની પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૨૮ કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરી નિયમભંગ કરનાર વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નવલખી રોડ, શક્તિચોક, વાવડી રોડ તથા મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલી ૬૭ ખાણી-પીણી અને ફરસાણની પેઢીઓમાં ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નવલખી રોડ પર આવેલી પશુપતિનાથ ચાઈનીઝમાંથી અંદાજે ૩ કિલો વાસી નૂડલ્સ, ફૂડ કલર, ૫ કિલો મંચુરિયન, ૨ કિલો વાસી ભાત અને ૧૦ કિલો ફૂગ લાગેલું કોબીજ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પેઢીમાં અત્યંત અસ્વચ્છ સ્થિતિ જોવા મળતાં ગ્રીન નોટિસ ફટકારવામાં આવી હતી.
જેલ રોડ પર આવેલી ભગવતી ફરસાણમાંથી ત્રણ પેકેટ વાસી રસગુલ્લાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે વાવડી રોડ પર આવેલી મોમાઈ ફાસ્ટફૂડમાંથી અંદાજે ૪ કિલો મંચુરિયન, ૨ કિલો વાસી ભાત, ૧ કિલો વાસી લોટ, ફૂગ લાગેલી બ્રેડ અને ૧ કિલો ગ્રેવીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે ૨૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ લાઇસન્સ વિના ધંધો ચલાવતી તેમજ અસ્વચ્છતા ધરાવતી પેઢીઓને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવી ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવ્યું છે.






